Last Updated on by Sampurna Samachar
હુમલાખોરોને ભાજપ અને કેન્દ્ર શાસિત દિલ્હી પોલીસ બચાવી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની જનસભા, પદયાત્રા અને રેલીઓમાં સતત થઈ રહેલા હુમલાને લઈને પંજાબ અને દિલ્હીના મુખ્યંમત્રીએ ઈલેક્શન કમિશન ઑફ ઇન્ડિયાને પત્ર લખીને તેમની સિક્યોરિટી માટે ફરીથી માંગ કરી છે.
મુખ્યમંત્રી આતિશીએ ભાજપ અને પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, અરવિંદ કેજરીવાલની હત્યા કરવાનું ષડ્યંત્ર ઘડવામાં આવી રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે, હુમલાખોરોને ભાજપ અને કેન્દ્ર શાસિત દિલ્હી પોલીસ બચાવી રહી છે અને બહુ મોટું ષડયંત્ર ઘડાઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાખવાના ષડયંત્રમાં બે ખેલાડીઓ છે. એક તરફ ભાજપના કાર્યકર્તાઓ દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ કેજરીવાલ પર હુમલા કરે છે અને પથ્થર ફેંકવામાં આવે છે. આ સાથે ડંડા લઈને આવે છે અને સ્પિરિટના સ્પ્રે કરે છે. જ્યારે બીજુ તરફ છે અમિત શાહને આધીન આવનારી દિલ્હી પોલીસ.
કેજરીવાલ પર થઈ રહેલા હુમલા મામલે આતિશીએ કહ્યું કે, ભાજપ અને દિલ્હી પોલીસના સંયુક્ત પ્રયાસો દ્વારા અરવિંદ કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. અમે સતત જોઈ રહ્યા છીએ કે કેજરીવાલ પર એક પછી એક હુમલા થઈ રહ્યા છે.
૨૪ ઑક્ટોબરના રોજ, દિલ્હી પોલીસની નાક નીચે વિકાસપુરીમાં કેજરીવાલ પર હુમલો થયો હતો. જેને લઈને અમે સોશિયલ મીડિયામાં તપાસ કરી તો, હુમલો કરનારા ભાજપનો કાર્યકર હોવાનું બહાર આવ્યું. આ મામલે દિલ્હી પોલીસે કંઈ કર્યું નહીં. જ્યારે ૩૦ નવેમ્બરના રોજ માલવિયા નગરમાં જાહેર કાર્યક્રમમાં જઈ રહેલા કેજરીવાલ પર ફરીથી હુમલો કરવામાં આવ્યો. જેમાં તેમની સાથે મારપીટ અને હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
સતત હુમલા અંગે આગળ વાત કરતાં તેમણે કહ્યું કે, આ પછી ૧૮ જાન્યુઆરીએ પણ નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રમાં કેજરીવાલની કાર પર પથ્થરમારો થયો. જ્યારે હુમલાખોરો હરિનગરમાં કેજરીવાલની કાર સુધી પહોંચ્યા હતા. દિલ્હી પોલીસે તેમને રોક્યા ન હતા. શું દેશના ઇતિહાસમાં ઢ સિક્યોરિટી ધરાવતી વ્યક્તિની કાર પર પથ્થર મારો થયો હોય અને પોલીસ આગળ ન આવી હોય? દિલ્હી પોલીસ ભાજપ અને અમિત શાહને આધીન આવે છે.
આતિશીએ કહ્યું કે, આ માટે કેજરીવાલની સિક્યોરિટીમાં તૈનાત પંજાબ પોલીસ તેમને સુરક્ષા પૂરી પાડવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી. જેને હટાવામાં આવી. જેને લઈને મેં અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે કે, કેજરીવાલની સિક્યોરિટી ફરીથી રિસ્ટોર કરવામાં આવે.