Last Updated on by Sampurna Samachar
પરિવારે બે પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
પોલીસકર્મીઓ સામે વિરોધ પ્રદર્શન
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના અલવર જિલ્લામાં પોલીસ રેડ દરમ્યાન એક નવજાત શિશૂનું દર્દનાક મૃત્યુ થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે અહીં દરોડા સાઈબર ફ્રોડના કેસમાં આરોપીને પકડવા માટે ગઈ હતી. જોકે, પરિવારનો આરોપ છે કે, આ દરમ્યાન પોલીસકર્મીની લાપરવાહીના કારણે શિશૂનું મૃત્યુ થઈ ગયું હતુ. આ ઘટના અલવર જિલ્લાના નૌગાંવા વિસ્તારમાં આવેલા એક ઘરમાં થઈ હતી. જે બાદ પરિવારે બે પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
અધિક પોલીસ અધિક્ષક તેજપાલ સિંહના જણાવ્યા અનુસાર, પોલીસ (POLICE) ટીમ આરોપીની ધરપકડ કરવા માટે પરિવારના ઘરે પહોંચી હતી. આ સમય દરમિયાન, બાળકી અલીસ્બા તેની માતાની બાજુમાં ખાટલા પર સૂતી હતી. પરિવારનો આરોપ છે કે પોલીસે બાળકને કચડી નાખ્યું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે બાળકીની માતાએ વાંધો ઉઠાવ્યો, ત્યારે પોલીસે કથિત રીતે તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી.
પરિવારે ન્યાયની કરી માંગ
પરિવારનું એમ પણ કહેવું છે કે દરોડા દરમિયાન કોઈ મહિલા પોલીસ અધિકારી હાજર નહોતી. આ ઘટના બાદ, સ્થાનિક ગ્રામજનોએ અલવર પોલીસ અધિક્ષકના નિવાસસ્થાનની બહાર પોલીસની કથિત બેદરકારી સામે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિરોધ કરનારાઓએ આરોપી પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમનું કહેવું છે કે પોલીસ દ્વારા આ પ્રકારનું વર્તન અસ્વીકાર્ય છે અને આ કેસમાં વહેલી તકે ન્યાય મળવો જોઈએ. પોલીસ અધિકારીએ કહ્યું કે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.