Last Updated on by Sampurna Samachar
ટેક્નોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રોમાં સહકાર બાબતે કરી ચર્ચા
EV પરની આયાત ડ્યૂટી ઘટાડવા અંગે ચર્ચા કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેસ્લાના CEO એલોન મસ્ક સાથે ફોન પર વાતચીત કરી હતી. જ્યાં PM મોદીએ મસ્ક સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. PM મોદી અને મસ્ક વચ્ચેની વાતચીતમાં આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં તેમની મીટિંગ દરમિયાન ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે તેમણે મસ્ક સાથે ટેક્નોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રોમાં સહકારની અપાર સંભાવનાઓ પર ચર્ચા કરી હતી. આ સાથે PM મોદીએ કહ્યું કે ભારત આ ક્ષેત્રોમાં અમેરિકા સાથે તેની ભાગીદારીને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
PM મોદીએ મસ્કના બાળકોને પુસ્તર આપ્યા ભેટ
વડાપ્રધાન મોદી અને મસ્કએ ભારત અને અમેરિકા વચ્ચે ટેક્નોલોજી, અવકાશ સંશોધન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને વિકાસ જેવા ક્ષેત્રોમાં સહકારની અપાર સંભાવનાઓ પર ચર્ચા કરી હતી. PM મોદીએ ભારતની ‘ન્યૂનતમ સરકાર, મહત્તમ શાસન’ નીતિ પર મસ્ક પર ભાર મૂક્યો હતો.
મસ્કે ભારતમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં તેમની રુચિનો પુનરોચ્ચાર કર્યો છે, જે હાલમાં નિયમનકારી મંજૂરીની રાહ જોઈ રહી છે. મસ્કે PM મોદી સાથે ટેસ્લા દ્વારા ભારતમાં મેન્યુફેક્ચરિંગ બેઝ સ્થાપવા અને ઇલેક્ટ્રિક વાહનો પરની આયાત ડ્યૂટી ઘટાડવા અંગે પણ ચર્ચા કરી હતી.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈલોન મસ્ક વચ્ચે ફેબ્રુઆરી ૨૦૨૫માં વોશિંગ્ટન ડીસીમાં વાતચીત થઈ હતી. ત્યારબાદ મસ્કએ સ્પેસએક્સના સ્ટારશિપ ફ્લાઈટ ટેસ્ટમાંથી મોદીને હીટશિલ્ડ ટાઇલ ભેટમાં આપી હતી. PM મોદીએ મસ્કના બાળકોને રવીન્દ્રનાથ ટાગોર, આરકે નારાયણ અને પંચતંત્રના પુસ્તકો ભેટમાં આપ્યા હતા. આ બેઠકમાં ભારતમાં ટેસ્લાના ઉત્પાદન અને સ્ટારલિંકની નિયમનકારી મંજૂરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.