Last Updated on by Sampurna Samachar
SEBI ના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનું ગૌરવ માધવી બૂચના નામે
SEBI ની તપાસની પદ્ધતિ પર સવાલ પણ ઉઠ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારે SEBI ના નવા ચીફના નામની જાહેરાત કરી દીધી છે. હાલના નાણાં સચિવ તુહિન કાંતા પાંડેને આ જવાબદારી સોંપવામાં આવી છે. તુહિન કાંતા પાંડે ઓડિશા કેડરના અધિકારી છે અને મોદી ૩.૦ સરકારમાં ભારતના સૌથી વ્યસ્ત સચિવોમાંના એક છે. તેઓ હાલમાં કેન્દ્ર સરકારમાં ચાર મહત્વપૂર્ણ વિભાગો સંભાળી રહ્યા છે. તેઓ ૩ માર્ચે માધવી બુચનો કાર્યકાળ પૂરો થયા પછી SEBI ચીફની જવાબદારી સંભાળશે.
ભારતીય સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ (SEBI) ના હાલના અધ્યક્ષ માધવી પુરી બુચનો કાર્યકાળ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ એ પૂરો થઇ ગયો છે. તેઓ ૨ માર્ચ ૨૦૨૨ એ આ પદ પર નિમાયા હતા. તેઓ SEBI ના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનું ગૌરવ પ્રાપ્ત કરનારા મહિલા છે. તેઓ પહેલાં ૨૦૧૭ થી ૨૦૨૨ સુધી SEBI ના સંપૂર્ણકાળના સભ્ય (WTM) રહ્યા હતા.
માધવી પુરી બુચનો કાર્યકાળ વિવાદીત રહ્યો
માધવી પુરી બુચનો કાર્યકાળ ઘણા વિવાદોથી ભરેલો રહ્યો. તેમાં સૌથી મહત્વપૂર્ણ હતો અમેરિકન ફર્મ હિંડનબર્ગની રિપોર્ટ, જેણે અદાણી ગ્રુપના વિદેશી રોકાણ અને SEBI ની તપાસની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન આચાર સંહિતાના ઉલ્લંઘન અને SEBI પર તપાસમાં વિલંબના આરોપો પણ લાગ્યા હતા. આને ધ્યાનમાં રાખીને માનવામાં આવી રહ્યું હતું કે સરકાર આ વખતે કોઈ વરિષ્ઠ અધિકારીને SEBI અધ્યક્ષ બનાવવાનો વિચાર કર્યો હોય, જેથી સંસ્થાનો કાર્યકાળ વિના વિઘ્ને ચાલતો રહે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા SEBI ચીફની રેસમાં નાણાં સચિવ તુહિન કાંતા પાંડે, IRDAI ના અધ્યક્ષ દેબાશિષ પાંડા, આર્થિક બાબતોના વિભાગ (DEA ) ના સચિવ અજય સેથ અને તેલ સચિવ પંકજ જૈનના નામો હતા. તેમાં તુહિન પાંડેને સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવ્યા. ઓગસ્ટ ૨૦૨૪માં સોમનાથનના કેબિનેટ સચિવ બન્યા પછી તુહિન પાંડેને નાણાં સચિવ બનાવવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ આ વિભાગને સારી રીતે સંભાળી રહ્યા હતા, જેના કારણે તેઓ PM મોદી અને નાણાં મંત્રી ર્નિમલા સીતારમણના ધ્યાનમાં આવ્યા.