Last Updated on by Sampurna Samachar
આવા મેસેજ મોકલવા અશ્લીલતા સમાન
એડિશનલ સેશન જજ ડીજી ઢોબલેએ ચૂકાદો આપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈની એક સેશન કોર્ટે એક મહિલા દ્વારા અન્ય વ્યક્તિ પર અશ્લિલ મેસેજ અને ફોટા મોકલવાના આરોપમાં ફરિયાદ દાખલ થયા બાદ આરોપી વિરુદ્ધ કાર્યવાહી થઈ છે. આ દરમિયાન કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે કોઈ પણ અજાણી મહિલાને રાતના સમયે ‘તમે પાતળા છો, ખુબ સ્માર્ટ અને ગોરા દેખાઓ છો, હું તમને પસંદ કરું છું.’ જેવા મેસેજ મોકલવા તે અશ્લીલતા સમાન છે. આ ચુકાદો એડિશનલ સેશન જજ ડીજી ઢોબલેએ આપ્યો.
કોર્ટે ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ આપેલા પોતાના આદેશમાં કહ્યું કે અશ્લીલતાનું મૂલ્યાંકન સમકાલીન સામુદાયિક માપદંડોને લાગૂ કરનારા સરેરાશ વ્યક્તિના દ્રષ્ટિકોણથી જ થવું જોઈએ. કોર્ટે કહ્યું કે ફરિયાદકર્તા મહિલાને રાતે ૧૧ વાગ્યાથી ૧૨.૩૦ વચ્ચે કેટલાક ફોટા અને મેસેજ મોકલવામાં આવ્યા હતા, જેમાં લખ્યું હતું કે “તમે પાતળા છો, ખુબ સ્માર્ટ લાગો છો. તમે ગોરા છો. મારી ઉંમર ૪૦ વર્ષ છે. તમે પરિણીત છો કે નહીં અને હું તમને પસંદ કરું છું.”
કોર્ટે કહ્યું કે કોઈ પણ પરિણીત મહિલા કે તેનો પ્રતિ જે પ્રતિષ્ઠિત છે અને (પૂર્વ) પાર્ષદ છે. આવા વોટ્સએપ મેસેજીસ અને અશ્લીલ ફોટાઓ સહન કરશે નહીં ખાસ કરીને ત્યારે જ્યારે મેસેજ મોકલનાર અને ફરિયાદકર્તા એક બીજાને બિલકુલ જાણતા ન હોય.
કોર્ટે કહ્યું, આરોપીએ રેકોર્ડમાં એવા કોઈ પુરાવા રજુ કર્યા નથી જે દેખાડી શકે કે તેમના વચ્ચે કોઈ સંબંધ હતો. જજે કહ્યું કે આ હરકત મહિલાની ગરીમાનું અપમાન કર્યા સમાન છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ આરોપીને વર્ષ ૨૦૨૨માં અહીંની એક મેજિસ્ટ્રેટ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો અને ૩ મહિના કારાવાસની સજા સંભળાવી હતી. ત્યારબાદ તેણે સેશન કોર્ટમાં ચુકાદો પડકાર્યો હતો.
કેસ અંગે આરોપીએ દાવો કર્યો કે તેને રાજનીતિક વિરોધના પગલે ખોટો ફસાવ્યો છે. પરંતુ કોર્ટે આ તર્કને એમ કહીને ફગાવી દીધો કે તેની પાસે આ સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી. કોર્ટે કહ્યું કે, કોઈ પણ મહિલા કોઈ આરોપીને ખોટા કેસમાં ફસાવીને પોતાની ગરિમા દાવ પર લગાવશે નહીં.
અભિયોજન પક્ષે એ સાબિત કરી દીધુ છે કે આરોપીએ મહિલાને વોટ્સએપ પર અશ્લીલ મેસેજ અને ફોટા મોકલ્યા હતા. આથી આરોપીને મેજિસ્ટ્રેટે દોષિત ઠેરવીને સજા ફટકારે તે યોગ્ય કર્યું. અત્રે જણાવવાનું કે મેજિસ્ટ્રેટ કોર્ટે ૩ મહિનાની સજા ફટકારી હતી જેને આરોપીએ કોર્ટમાં પડકારી હતી.