Last Updated on by Sampurna Samachar
કપલને પોલીસ ચોકી લઇ જવાયા અને પૂછપરછ કરાઇ
છોકરી પરિવારને અંધારામાં રાખી કોર્ટ મેરેજ કરવા આવી હોવાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પ્રદેશના રીવામાં એક કપલ કોર્ટ મેરેજ માટે કોર્ટ (COURT) માં પહોંચ્યું હતું, પણ આ દરમ્યાન કોર્ટ પરિસરમાં હોબાળો થઈ ગયો હતો. વકીલો દ્વારા લવ જેહાદની શંકા જતાં યુવક-યુવતીને પકડીને તેમને મારામારી થઇ હોવાની માહિતી મળી હતી. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે આવી અને જેમ તેમ કરી યુવક-યુવતીને ત્યાંથી પોલીસ ચોકીએ લઈ ગયા. પોલીસે બંને સાથે પૂછપરછ કરી. આ સમગ્ર મામલે હવે તપાસ થઈ રહી છે.
મળતી જાણકારી અનુસાર, આ ઘટના ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં થઈ હતી. અહીં મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતી ચોરીછુપે લગ્ન કરવા પહોંચ્યા હતા. ૨૭ વર્ષીય યુવક રાકિન ખાન ગુઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો રહેવાસી છે. તેની સાથે ૨૧ વર્ષની છોકરી પરિવારને અંધારામાં રાખી કોર્ટ મેરેજ કરવા આવી હતી. છોકરીએ બુરખો પહેર્યો હતો, જેથી કોઈ ઓળખી ન જાય.
બંને લગ્ન કરવા માટે દસ્તાવેજ તૈયાર કરવા માટે એક વકીલ પાસે ગયા. જેવું વકીલે નામ વાંચ્યું કે આખી કોર્ટમાં હડકંપ મચી ગયો. વકીલોએ આરોપ લગાવ્યો કે, આ લવ જેહાદનો કેસ છે. જે બાદ ગુસ્સે થયેલા વકીલોએ યુવકને પકડીને મારવાનું શરુ કરી દીધું. જોતજોતામાં મામલો આગળ વધી ગયો અને યુવક લોહીલુહાણ થઈ ગયો.
યુવતીને પણ મારવાની કોશિશ કરી હતી. કોર્ટ પરિસરમાં હોબાળો થતો જોઈ તરત પોલીસને સૂચના આપવામાં આવી હતી. જ્યાં સિવિલ લાઈન્સ ઈન્ચાર્જ કમલેશ સાહુની ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી અને ભીડને હટાવી યુવક-યુવતીને બચાવી લીધા હતા.
આ મામલે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે કહ્યું કે, યુવક અને યુવતી બંને પુખ્તવયના છે અને પોતાની મરજીથી લગ્ન કરી રહ્યા છે, પણ કોર્ટમાં હોબાળો થતાં બંને લગ્ન કરી શક્યા નથી. આ ઘટના વિશે જાણકારી મળતા જ હિન્દુ સંગઠનના લોકો પણ પોલીસ ચોકીએ આવ્યા અને તેમણે યુવક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સંગઠનોનો આરોપ છે કે આ એક કાવતરાં અંતર્ગત કરવામાં આવતા લવ જેહાદનો કિસ્સો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. યુવક-યુવતીને પૂછપરછ માટે રાખવામાં આવ્યા છે. આ ઘટના બાદ કોર્ટ પરિસરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.