Last Updated on by Sampurna Samachar
રાષ્ટ્રપતિ , વડાપ્રધાનથી અનેક દેશના દિગ્ગજ નેતાઓએ સંગમમાં ડુબકી લગાવી
આ વિશ્વનો સૌથી મોટો મેળાવડો જોઇ દુનિયા આશ્ચર્યચકિત !!
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રયાગરાજમાં ૪૫ દિવસ સુધી આયોજિત વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિક મેળાવડો મહાકુંભ મહાશિવરાત્રીના અવસરે સમાપ્ત થયો હતો. આ ૪૫ દિવસની આ અભૂતપૂર્વ ઘટનાની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે.
અભૂતપૂર્વ કારણ કે વિશ્વભરના લોકોમાંથી આટલો વિશ્વાસનો સાગર ક્યારેય કોઈએ જોયો નથી. ૪૫ દિવસમાં ૬૬ કરોડ 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું. દરરોજ ૧.૨૫ કરોડથી વધુ ભક્તો મહાકુંભમાં પહોંચ્યા હતા. ૫૦ લાખથી વધુ વિદેશી ભક્તો આવ્યા હતા. ૭૦ થી વધુ દેશોના લોકો પ્રયાગરાજ પહોંચ્યા. આખી દુનિયા એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ છે કે અમેરિકાની વસ્તી કરતા બમણી અને વિશ્વના ૧૦૦ થી વધુ દેશોની કુલ વસ્તી કરતા પણ વધુ લોકો પ્રયાગરાજ પહોંચ્યા હતા.
૭૦ હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત
મોટી વાત એ છે કે આ કોઈ સરકારી ઈવેન્ટ નહોતી, સનાતન પરંપરા અને ભારતની સાંસ્કૃતિક શક્તિનો મેળો હતો. મહાકુંભમાં ૩૭ હજારથી વધુ પોલીસ તૈનાત હતી, ૧૪ હજારથી વધુ હોમગાર્ડ હતા. CRPF ના જવાનો પણ તૈનાત હતા. કુલ ૭૦ હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત હતા અને મોટી વાત એ છે કે મહાકુંભ (MAHAKUMBH) ના સમાપન પ્રસંગે શ્રદ્ધાળુઓએ સુરક્ષા માટે તૈનાત પોલીસ જવાનોના વખાણ કર્યા હતા.
* ૬૬.૩૦ કરોડથી વધુ ભક્તો આવ્યા હતા
* અમેરિકાની વસ્તી કરતાં બમણી સંખ્યા પહોંચી
* મહાકુંભમાં ૧૯૩થી વધુ દેશોની વસ્તી આવી હતી
* મહાકુંભમાં આવેલા ભક્તોની સંખ્યા કરતાં એકલા ભારત અને ચીનની વસ્તી વધુ
* ૧૨૦ કરોડ હિંદુઓમાંથી ૬૬ કરોડથી વધુ લોકોએ ડુબકી લગાવી
* મેળાનો વિસ્તાર વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ કરતા ૧૬૬ ગણો મોટો
* ૪ હજાર હેક્ટરમાં મહાકુંભ મેળા ઝોનનું માળખું
* ૪ લાખથી વધુ ટેન્ટ, ૧.૫ લાખ શૌચાલય બનાવાયા
આ વખતે મહાકુંભમાં માત્ર ભક્તોની સંખ્યામાં જ રેકોર્ડ નથી બન્યો, પરંતુ સ્વચ્છતા માટે પણ વિશ્વ રેકોર્ડ બન્યો છે. મહા કુંભ મેળાના વિસ્તારના ૪ ઝોનમાં ૧૯ હજાર સફાઈ કામદારોએ એક સાથે સફાઈ કરીને નવો દાખલો બેસાડ્યો છે. સફાઈ કામદારોની આ પહેલને વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા માટે ગિનિસ બુકની ટીમ પણ હાજર રહી હતી. ૨૦૧૯ના કુંભમાં ૧૦ હજાર સફાઈ કામદારોએ એકસાથે સફાઈ કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ આ વખતે આ સંખ્યા ૧૯ હજાર હતી.
ગંગા સફાઈનો રેકોર્ડ બનાવ્યો
૪ અલગ-અલગ જગ્યાએ ૩૬૦ લોકોએ કરેલી સફાઈનો રેકોર્ડ
હેન્ડ પેઇન્ટિંગમાં – ૧૦,૧૦૨ લોકોનો રેકોર્ડ, અગાઉ તે ૭૬૬૦ લોકો હતો.
સ્વીપિંગમાં – ૧૯,૦૦૦ લોકોનો રેકોર્ડ, અગાઉ તે ૧૦,૦૦૦ લોકો હતા
મહાકુંભ તેની સ્વચ્છતા માટે પણ ચર્ચામાં હતો. જેમાં સફાઈ કામદારોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મહાકુંભ મેળામાં મૌની અમાવસ્યા પર નાસભાગની ઘટનાને કારણે તેની છબી થોડી ખરડાઈ હતી, પરંતુ આ ઘટનાથી ભક્તોની આસ્થા પર કોઈ ખાસ અસર થઈ ન હતી અને લોકોનું આગમન સતત ચાલુ રહ્યું હતું. નાસભાગમાં ૩૦ લોકોના મોત થયા હતા.
મહાકુંભ મેળામાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ઘણા રાજ્યોના મુખ્ય પ્રધાનો, ફિલ્મ સ્ટાર્સ અને રમતગમત અને ઉદ્યોગની હસ્તીઓએ સંગમમાં ડૂબકી લગાવી હતી અને રાજ્ય સરકાર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી.
રાજ્ય સરકાર શરૂઆતથી જ મહાકુંભના આયોજન માટે ગંભીર હતી અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ૪૫ દિવસમાં ૧૦ વખત મહાકુંભ નગરમાં આવીને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ સિવાય તેમણે લખનૌ અને ગોરખપુરના કંટ્રોલ રૂમમાંથી મેળા પર ચાંપતી નજર રાખી હતી.