Last Updated on by Sampurna Samachar
આ મામલે અમે અગાઉથી જ તૈયારીઓ કરી UP સરકારે જણાવ્યુ
મહાકુંભમાં સુવિધાઓની અછત જોવા મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રયાગરાજ મહાકુંભમાં ખુલ્લામાં શૌચ કરવા બદલ ઉત્તર પ્રદેશ સરકાર પર રૂ. ૧૦ કરોડનો દંડ ફટકારવાની માંગ કરતી અરજી પર નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં સુનાવણી થઈ હતી. NGT એ યુપી સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, આ તમારી જવાબદારી છે, તમે તેના પર તાત્કાલિક ધ્યાન આપો. આ મામલે અત્યાર સુધી યુપી સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નથી. ટ્રિબ્યૂનલે હાલ આ મામલે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.
ઉત્તર પ્રદેશ સરકારે NGT માં જણાવ્યું હતું કે, આ મામલે અમે અગાઉથી જ તૈયારીઓ કરી છે. અમે તેનો રિપોર્ટ રજૂ કરીશું. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી યૂપી પોલ્યુશન કંટ્રોલ બોર્ડએ જણાવ્યું હતું કે, અમે આ મામલે જરૂરી પગલાં ઉઠાવ્યા છે.
ઘણા લોકો ગંગા નદીના તટ પર ખુલ્લામાં જ શૌચ કરવા મજબૂર
NGT એ આ મામલે યુપી સરકારને ગંભીરતાપૂર્વક પગલાં લેવા નિર્દેશ આપ્યો છે, પોતાનો ર્નિણય સુરક્ષિત રાખતાં કહ્યું છે કે, અમે અમારો વિસ્તૃત આદેશ બાદમાં રજૂ કરીશું. અરજદારોએ NGT માં અપીલ કરી હતી કે, અધિકારીઓનો દાવો છે કે, તેમણે મહાકુંભ નગરમાં હ્યુમન વેસ્ટના નિકાલ માટે અત્યાધુનિક બાયો-ટોયલેટ્સ બનાવ્યા છે. પરંતુ આ સુવિધાઓની અછત તથા સાફ-સફાઈના અભાવે ઘણા લોકો ગંગા નદીના તટ પર ખુલ્લામાં જ શૌચ કરવા મજબૂર બન્યા છે.
લાખો શ્રદ્ધાળુઓ અને તેમનો પરિવાર પર્યાપ્ત સુવિધાના અભાવે ખુલ્લામાં શૌચ કરી રહ્યા છે. આ સમસ્યાના સમાધાન માટે બાયો-ટોયલેટ્સની સંખ્યા વધારવાની જરૂર છે. તેમજ તેની યોગ્ય સફાઈ અને દેખરેખનું ખાસ ધ્યાન રાખવા સલાહ આપી છે. સ્વસ્છતા સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહેવા બદલ યુપી સરકારને રૂ. ૧૦ કરોડનો દંડ ફટકારવાની માંગ કરતી અરજી NGT સમક્ષ કરવામાં આવી હતી.