Last Updated on by Sampurna Samachar
વહેલી સવારે પરિવારના ૬ સભ્યોના મોત નિપજ્યા
કાર ચલાવતી વખતે ઝોંકુ આવી જતા સર્જાયો અકસ્માત
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના આરામાં મહાકુંભ (MAHAKUMBH ) થી પરત ફરતાં પરિવારનો અકસ્માત થતાં એકસાથે ૬ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ ઘટના વહેલી સવારે આરા-મોહનિયા નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ પાસે થઈ હતી. અહીં એક ઊભેલાં ટ્રક સાથે પાછળથી કારે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો ભૂકો બોલાઈ ગયો હતો. અકસ્માતમાં સવાર તમામ ૬ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં.
અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસે તમામ મૃતકોને બહાર કાઢ્યા. મોતને ભેટેલાં તમામ લોકો એક જ પરિવારના હતાં. પરિવાર પટણાના જક્કનપુરનો રહેવાસી હતો અને પ્રયાગરાજ કુંભમાં સ્નાન કરીને પરત ફરી રહ્યો હતો. મૃતકોના પરિવારજનોએ જણાવ્યું કે, તમામ લોકો મહાકુંભ સ્નાન માટે પ્રયાગરાજ ગયા હતાં અને સવારે કારમાં ઝોકું આવી જવાથી કાર ટ્રક સાથે અથડાઈ હતી.
જણાવી દઈએ કે, મૃતકોમાં ૪ મહિલા અને ૨ પુરૂષ છે. પટણાના જક્કનપુર સ્થિત સુદામા કૉલોની નિવાસી વિશુન દેવ પ્રસાદના દીકરા સંજય કુમાર, પત્ની કરૂણા દેવી, દીકરા લાલ બાબૂ સિંહ તેમની ભત્રીજી અને પ્રિયમ કુમારી છે. આ સિવાય પટણાના કુંભાર નિવાસી આનંદ સિંહની દીકરી આશા કિરણ, ચંદ્રભૂષણ પ્રસાદની દીકરી જૂહી રાની અકસ્માતમાં મોતને ભેટ્યાં છે.
મૃતક સંજયના ભાઈએ જણાવ્યું કે, એક સ્કૉર્પિયોથી ૭ લોકો અને બલેનો કારથી પતિ-પત્ની, દીકરા, ભત્રીજા સહિત ૬ લોકો પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સ્નાન માટે ગયા હતાં. પ્રયાગરાજથી પરત ફરતાં સમયે સંજય કુમારના દીકરા લાલ બાબુ ગાડી ચલાવી રહ્યા હતાં. આ દરમિયાન લાલ બાબુને ઊંઘનું ઝોકું આવી ગયું. જેથી ગાડી રસ્તાના કિનારે ઊભાં ટ્રકથી અથડાઈ હતી. મૃતકના ભાઈએ જણાવ્યું કે, જતાં સમયે પણ લાલ બાબુને ઊંઘનું ઝોકું આવી ગયું હતું.