Last Updated on by Sampurna Samachar
સરકારનો ઈરાદો ભ્રષ્ટાચારીઓ પર લગામ લગાવવાનો નથી
વેપારીઓ અને ભ્રષ્ટ અધિકારીઓએ મિલીભગત કરીને ફાયદો ઉઠાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આરોપ ભાજપના નેતા ભરત કાનાબારે લગાવ્યો છે. કાનાબારે આક્ષેપ કર્યો છે કે ભ્રષ્ટ અધિકારીઓ અને વચેટિયાઓની સાંઠગાંઠથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં બજારમાંથી ખરીદાયેલી હલકી ગુણવત્તાવાળી મગફળી સરકારને વેચવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ડૉ. ભરત કાનાબારે આ બાબતે અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ ગોલમાલ થઈ છે, જેમાં વેપારીઓ અને ભ્રષ્ટ અધિકારીઓએ મિલીભગત કરીને ફાયદો ઉઠાવ્યો છે.
કાનાબારે દિલીપ સંઘાણીના ખેડૂતો માટેના પ્રામાણિક પ્રયાસોની પ્રશંસા કરી હતી, પરંતુ સાથે જ સરકારમાં હલકી ગુણવત્તાવાળી મગફળી પધરાવવાનું કારસ્તાન ચાલતું હોવાનો દાવો કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે સરકારનો ખેડૂતોને ફાયદો કરાવવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે સ્જીઁ યોજના પણ ચલાવવામાં આવે છે, પરંતુ સરકારી યોજનાઓમાં ગેરરીતિ કરવાનો અધિકારીઓ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે.
તો બીજી તરફ, મનહર પટેલે આ મામલે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકારનો ઈરાદો ભ્રષ્ટાચારીઓ પર લગામ લગાવવાનો નથી. મનહર પટેલે ભ્રષ્ટ અધિકારીઓ પર સરકાર લગામ લગાવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું અને ભ્રષ્ટ અધિકારીઓના પાપે ખેડૂતો પણ પરેશાન હોવાની વાત કરી હતી.
તેમણે આક્ષેપ કર્યો હતો કે “ભાજપની ચંડાળ ચોકડી જ ભ્રષ્ટાચાર કરે છે” અને સરકારી તંત્રનો મિજાજ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનો નથી. મનહર પટેલે ડાંગર કૌભાંડના આરોપી કેટલા દિવસમાં પકડાયો તે સવાલ ઉઠાવીને સરકારની કામગીરી પર પ્રશ્નચિહ્ન મૂક્યું હતું અને કટાક્ષમાં કહ્યું હતું કે “દાદાની સરકાર બપોરના સમયે ઊંઘી જાય છે”.
દિલીપ સખિયાએ આ ઘટનામાં નૈતિક્તાનો અભાવ હોવાનું જણાવ્યું હતું અને ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાનું કહ્યું હતું. તેમણે સરકારને નક્કર પોલિસી લાવવા અને ખેડૂતોનું પાણીપત્ર ઓનલાઈન ભરવાની તથા ખેડૂતે મગફળીનું વાવેતર કર્યું છે કે કેમ તેની જાણકારી હોવી જરૂરી હોવાનું સૂચન કર્યું હતું.
કગથરાએ પણ મગફળીની ખરીદીમાં અગાઉ પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવીને ભ્રષ્ટ અધિકારીઓ ખેડૂતો પાસેથી ૭ ૧૨ ઉઘરાવતા હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે મગફળીના ટેકાના ભાવ અને બજાર કિંમતમાં ઘણો તફાવત હોવાની વાત કરીને ભાજપના નેતાઓને ખેડૂતોની મજાક કરવાનું બંધ કરવા જણાવ્યું હતું અને ભાજપ સરકારમાં અનેક મોટા કૌભાંડ થયા હોવાનો દાવો કર્યો હતો.