Last Updated on by Sampurna Samachar
કોઇ પણ જ્ઞાતિ સમૂહનો સભ્ય જ્ઞાતિ મંદિર પર અધિકાર જમાવી શકશે નહીં
મંદિરમાં પૂજા , આરતી , મેનેજમેન્ટ તમામ ભક્તો કરી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મદ્રાસ હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે વિવિધ જાતિ સમૂહ કોઇ દેવતાની પૂજા કરવા માટે અલગ અલગ રીતોનું પાલન કરી શકે છે. પરંતુ કોઇ પણ જ્ઞાતિ સમૂહનો સભ્ય એ દાવો કરી શકે નહી કે મંદિર ફક્ત તેમનું છે અને એટલા માટે મંદિરના વહીવટ પર તેમનો વિશેષ અધિકાર છે. આ અવધારણા અસ્વીકાર્ય છે કે કોઇ મંદિર કોઇ વિશેષ જાતિનું છે. જસ્ટિસ ડી.ભરત ચક્રવર્તીએ કહ્યું હતું કે જ્ઞાતિના આધાર પર મંદિરોને અલગ કરવાથી જાતિવાદને પ્રોત્સાહન મળે છે.
લાઇવ લૉના રિપોર્ટ અનુસાર, મદ્રાસ હાઇકોર્ટે તાજેતરમાં જ એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું હતું કે કોઇ પણ જ્ઞાતિ કોઇ પણ મંદિરના સ્વામિત્વનો દાવો કરી શકે નહીં, જેની પૂજા, મેનેજમેન્ટ તમામ ભક્તો દ્ધારા કરી શકાય છે. કોઇ વિશેષ જ્ઞાતિ દ્ધારા મંદિરનો વહીવટ કરવો કોઇ ધાર્મિક પ્રથા નથી જેનાથી બંધારણની કલમ ૨૫ અને કલમ ૨૬ હેઠળ સંરક્ષિત કરવામાં આવી શકે છે.
કોર્ટે આ ટિપ્પણીઓ અરજીકર્તા સી.ગણેશનની અરજી પર સુનાવણી દરમિયાન કરી હતી જેમાં હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ વિભાગના મદદનીશ કમિશનરને અરુલમિઘુ પોંકલીઅમ્મન મંદિરને તેમના દ્ધારા નિર્ધારિત સમયસીમાની અંદર અરુલમિઘુ મરિઅમ્મન, અંગલમ્મન અને પેરુમલ મંદિરો અને અરુલમિઘુ પોંકલીઅમ્મન મંદિરથી અળગ કરવાના નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.
જસ્ટિસ ડી.ભરત ચક્રવર્તીએ નમક્કલ જિલ્લાના તિરુચેંગોડે તાલુકાના મારાપરાઇ ગામના કે.સી.ગણેશન દ્ધારા દાખલ અરજીને ફગાવતા આ ચુકાદો આપ્યો હતો. અરજીમાં બે અન્ય મંદિરોની સાથે સંયુક્ત રીતે સંચાલિત પોંકલિયામ્મન મંદિરને અલગ કરવાની માંગ કરવામાં આવી હતી.
અરજીકર્તાએ મંદિર પ્રશાસનને અલગ કરવા માટે હિંદુ ધાર્મિક અને એચઆર એન્ડ સીઇ વિભાગના મદદનીશ કમિશનર દ્ધારા કરવામાં આવેલી ભલામણ પર વિશ્વાસ કર્યો હતો અને એચઆર એન્ડ સીઇ કમિશનરને ભલામણ પર કાયર્વાહી કરવાના નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.
જોકે કોર્ટે કહ્યું હતું કે બંધારણની કલમ ૨૨૬ હેઠળ પોતાના રિટ અધિકાર ક્ષેત્રનો પ્રયોગ કરતા કોર્ટ આ પ્રકારની ભલામણનો સ્વીકાર કરી શકે નહીં. તેમણે કહ્યું હતું કે જાતિ રહિત સમાજ બંધારણીય લક્ષ્ય છે એટલા માટે જાતિને કાયમ રાખવા સંબંધિત કોઇ પણ વાત પર કોર્ટ વિચાર કરી શકે નહી.
જસ્ટિસે લખ્યું હતું કે આ કોર્ટ અરજીકર્તા દ્ધારા દાખલ એફિડેવિટથી એ વાતનો અંદાજ લગાવી શકે છે કે તે કઇ ગંભીરતાથી ‘જાતિ’ નામનો પીછો કરી રહ્યો છે. પરંતુ એ અવધારણા કે કોઇ વિશેષ મંદિર કોઇ વિશેષ જાતિનું છે તે અસ્વીકાર્ય છે.
જાતિના આધાર પર મંદિરોને અલગ કરવાથી જ્ઞાતિવાદને પ્રોત્સાહન મળે
આ અગાઉ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસે અરજીકતાર્ના વકીલને કહ્યું હતું કે તે રિટ અરજી દ્ધારા દાખલ એફિડેવિટમાં જાતિગત ઉન્માદ જોઇ શકે છે અને આશ્વર્ય વ્યક્ત કર્યું કે લોકો,ખાસ કરીને તમિલનાડુના પશ્વિમ ક્ષેત્રના લોકો જાતિગત ગૌરવને લઇને આટલા પાગલ કેમ છે.
જસ્ટિસે ટિપ્પણી કરી હતી કે આ કોર્ટ જોઇ શકે છે કે જમીન પર શું થઇ રહ્યું છે. તમામ ચીજની એક સીમા હોય છે. જાતિ ઉન્માદ પોતાની સીમાથી આગળ વધી ગયો છે. અને એ હદ સુધી પહોંચી ગયો છે કે જે માતા પિતાએ બાળકોને જન્મ આપ્યો છે તે ઓનર કિલિંગના નામ પર તેમની હત્યા કરી રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે ‘જ્ઞાતિ’ નામની આ વસ્તુને ખત્મ કરવામાં આવે.
તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે વિવિધ સામાજિક સમૂહોના પૂજાની વિવિધ રીતોથી પારંપરિક અધિકારને જાળવી રાખ્યો છે. એટલા માટે કોઇ પણ એવા અધિકારમાં હસ્તક્ષેપમાં કરી શકે નહીં. જોકે તેમણે કહ્યું હતું કે મંદિરનો વહીવટ કરવા માટે કોઇ જ્ઞાતિ સમૂહના કોઇ પણ અધિકારને માન્યતા આપનાર કોઇ કાયદો નથી.