Last Updated on by Sampurna Samachar
શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજન સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતભરમાં યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ ગુજરાતના શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ખાતે ત્રણ દિવસીય ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ૯ ફેબ્રુઆરીથી શુભારંભ થશે. ૧૧ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ત્રણ દિવસીય મહોત્સવમાં લાખો માઈભક્તો ઉમટશે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાવવામાં આવેલા આ પરિક્રમા ઉત્સવની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપેરે આગળ વધારી છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પણ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
માતા પાર્વતીની ૫૧ શક્તિપીઠોમાંની એક અંબાજી શક્તિપીઠ ખાતે આવતા શ્રદ્ધાળુઓ અંબાજી સહિત તમામ શક્તિપીઠોના દર્શન કરી શકે તે માટે વર્ષ ૨૦૦૪માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજી ખાતે મા પાર્વતીની તમામ શક્તિપીઠોની પ્રતિકૃતિની સ્થાપના કરવાની પરિકલ્પના કરી હતી.
તેમણે જ આ ૫૧ શક્તિપીઠોનું ભૂમિપૂજન કર્યુ હતું, જેનું કાર્ય વર્ષ ૨૦૧૪માં પૂર્ણ થયું હતું. વર્ષ ૨૦૨૨થી રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રએ સાથે મળીને રાજ્યકક્ષાના પરિક્રમા મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી.
આ વર્ષે ૧૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા વર્તાઇ રહી છે. ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં દર વર્ષે માઈભક્તોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. ગત વર્ષે આ મહોત્સવમાં આશરે ૧૩ લાખ ૧૫ હજાર શ્રદ્ધાળુઓએ ૫૧ શક્તિપીઠોની પરિક્રમા કરી હતી, ત્યારે આ વર્ષે આ સંખ્યા ૧૫ લાખને વટાવવાની શક્યતા છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાએ જણાવ્યું હતું કે, અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠ મહોત્સવ દર વર્ષે મહા સુદ ૧૨ થી મહા સુદ ૧૪ દરમિયાન યોજવામાં આવે છે અને તિથિ પ્રમાણે આ વર્ષે આ મહોત્સવ ૯થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. GPYVB તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવનાર શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજન સહિત તમામ પ્રકારની સગવડો કરવામાં આવી છે. આ મહોત્સવનો મૂળમંત્ર છે ‘એક જ જન્મમાં, એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠોના દર્શન કરવાનો સુલભ્ય અવસર.’
આ વર્ષે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે ૯ ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, ઘંટી યાત્રા તથા ધજા યાત્રા નીકળશે. આ ઉપરાંત, વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો/ધર્મગુરૂઓના આશીર્વચન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, આનંદના ગરબા, વિવિધ મંડળો દ્વારા પરિક્રમા યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ફૉરેસ્ટ, પોલીસ, આરોગ્ય વગેરે વિભાગો દ્વારા યાત્રા જેવા કાર્યક્રમો યોજાશે.
બીજા દિવસે એટલે કે ૧૦ ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, પાદુકા યાત્રા અને ચામર યાત્રા નીકળશે. આ દરમિયાન વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો/ધર્મગુરુઓના આશીર્વચન, આનંદના ગરબાની અખંડ ધૂન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો તેમજ વિવિધ સમાજાે દ્વારા પરિક્રમા યાત્રા, રાત્રિ પરિક્રમા દર્શન સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
૧૧ ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, મશાલ યાત્રા, જ્યોત યાત્રા તથા ત્રિશૂળ યાત્રા યોજાશે. ત્રીજા દિવસે પણ વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો/ધર્મગુરુઓના આશીર્વચન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, મંત્રોત્સવ, ડ્રોન દ્વારા પુષ્પવૃષ્ટિ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો દ્વારા પરિક્રમા યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગબ્બરના શિખર પર રાત્રે ૧૨ કલાકે આરતી જેવા કાર્યક્રમો યોજાશે.
૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવનારા આશરે ૧૫ લાખ શ્રદ્ધાળુઓ માટે GPYVB તેમજ જિલ્લા વહીવટી તંત્રએ મોટાપાયે તૈયારીઓ કરી છે. મહોત્સવ દરમિયાન અંબાજી મંદિરમાં આરતી-દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે, તે મુજબ સવારની આરતી ૭.૩૦થી ૮ કલાકે, દર્શન ૦૯.૩૦થી ૧૧.૩૦ કલાકે થશે. ૧૧.૩૦થી ૧૨.૩૦ કલાકે દર્શન બંધ રહેશે. ૧૨.૩૦થી ૧૬.૩૦ કલાકે દર્શન ચાલુ રહેશે. ૪.૩૦ થી ૭ કલાકે દર્શન બંધ રહેશે. સંધ્યા આરતી ૯ થી ૭.૩૦ કલાકે યોજાશે. સંધ્યા દર્શન ૭ થી ૯ કલાક દરમિયાન થઈ શકશે.
ત્રણ દિવસીય મહોત્સવ દરમિયાન ૯ થી ૧૧ ફેબ્રુઆરીએ સાંજે ૭ થી રાત્રે ૧૦ કલાક દરમિયાન અંબાજીમાં ખેડબ્રહ્મા રોડ પર રબારી સમાજ ધર્મશાળા સામે ડી. કે. ત્રિવેદી બંગલૉઝની સામે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તથા ત્રણેય દિવસ સંધ્યા આરતી સાથે સાંજે ૭ થી ૭.૪૫ કલાક દરમિયાન ગબ્બર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શૉ યોજાશે.
આ સાથે જ મહોત્સવમાં આવનાર શ્રદ્ધાળુઓ માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૭ જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં અંબિકા ભોજનાલય-અંબાજી, જીએમડીસી ગ્રાઉન્ડ-અંબાજી, માંગલ્ય વન જવાના માર્ગે (શાંતિ વન), નવી કૉલેજ, દાંતા રોડ તથા આરટીઓ ચેકપોસ્ટ-આબુ હાઈવે ખાતે યાત્રાળુઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ગબ્બર રોડ-વન ચેતના કેન્દ્ર ખાતે અધિકારીઓ અને સ્ટાફ માટે તથા ગબ્બર – ચુંદડીવાળા માતાજી ખાતે પોલીસ સ્ટાફ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા રહેશે.
બહોળી સંખ્યામાં ઉમટી પડનાર શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમાં એસટી બસો દ્વારા આવનાર યાત્રાળુઓ માટે આરટીઓ સર્કલ રોડ, નવી કૉલેજ સામે સિવિલ હૉસ્પિટલ વિસ્તાર, જીએમડીસી ગ્રાઉન્ડ તથા શાંતિ વન ખાતે નિઃશુલ્ક હંગામી પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે.
ખાનગી વાહનો માટે સર્વે નંબર ૯૦, જૂની કૉલેજ રોડ (હડાદ રોડ), દિવાળીબા ગુરુ ભવન, શક્તિ દ્વારની સામે, કૈલાશ ટેકરીની સામે, આપેશ્વર મહાદેવ મંદિરની સામે તથા સવિતા ગોવિંદ સદનની બાજુમાં પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત પાર્કિંગ પ્લૉટ પર ઉતરનાર તમામ શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગ સ્થળથી નિઃશુલ્ક મિની બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં બેસીને તેઓ પરિક્રમા મહોત્સવમાં પહોંચી શકશે.