Last Updated on by Sampurna Samachar
આરોપીની ધરપકડના ૭૫ દિવસની અંદર દોષિત ઠેરવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતાની એક વિશેષ પોક્સો કોર્ટે સાત મહિનાની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના પ્રયાસના દોષિતને ફાંસીની સજા ફટકારી છે. બેંકશાલમાં પોક્સો કોર્ટે શહેરના બુરટોલા વિસ્તારમાંથી બાળકીના અપહરણ , દુષ્કર્મ અને હત્યાના પ્રયાસના કેસમાં આરોપીની ધરપકડના ૭૫ દિવસની અંદર દોષિત ઠેરવ્યો હતો. ત્યારબાદ તેને સજા ફટકારવામાં આવી હતી.
બચાવ પક્ષના વકીલ અને સરકારી વકીલની અંતિમ સુનાવણી પછી કોર્ટે તેને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો છે. ન્યાયમૂર્તિ ઇન્દ્રિલા મુખર્જીએ દોષિત રાજીવ ઘોષને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૫(૨), ૧૪૦ (૪), ૧૩૭ (૨) અને ૧૧૮ તથા પોક્સો એક્ટની કલમ ૬ હેઠળ દોષિત ઠેરવ્યો છે. બંને એક્ટની પ્રથમ અને છેલ્લી કલમ હેઠળ દોષિતને મહત્તમ સજા તરીકે ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
ગયા વર્ષે ૩૦ નવેમ્બરે અપરાધ કરનાર રાજીવ ઘોષની પાંચ ડિસેમ્બર સવારે ઝારગ્રામ જિલ્લાના ગોપીબલ્લવપુર વિસ્તારમાં તેના ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાંથી તે ભાગવાની ફિરાકમાં હતો. પોલીસે આ કેસમાં ૩૦ ડિસેમ્બરે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. કેટલાક દિવસ પછી પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
વિશેષ સરકારી વકીલ બિભાસ ચેટર્જીએ જણાવ્યું હતું કે પીડિતા હજુ પણ હોસ્પિટલમાં છે. કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. સાત જાન્યુઆરીએ શરૂ થયેલી સુનાવણી પ્રક્રિયાને પૂર્ણ થવામાં ફક્ત ૪૦ દિવસનો સમય લાગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા છ મહિનામાં પશ્ચિમ બંગાળની કોર્ટો દ્વારા ફટકારવામાં આવેલી સાતમી મોતની સજા છે. સગીરા પર દુષ્કર્મ ગુજારવા બદલ પોક્સો એક્ટ હેઠળ ફટકારવામાં આવેલી છઠ્ઠી મોતની સજા છે. કોર્ટના ફાંસીના ચુકાદા અંગે પીડિત પક્ષે સંતોષ વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક લેડી ડોક્ટરની દુષ્કર્મ પછી હત્યાનો કેસ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ કેસમાં CBI એ તપાસ પછી ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં કોલકાતા પોલીસના સિવિક વોલિયન્ટર સંજય રોયને આરોપી ગણવામાં આવ્યો છે. ત્યારબાદ સિયાલદ કોર્ટે તેને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે પીડિત પક્ષે ફાંસીની માંગ કરી છે.