શ્રધ્ધાળુઓની સુવિધા માટે જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે રહેશે
દિગંબર સાધુઓ પાંચ દિવસ સુધી ધૂણી ધખાવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ (JUNAGADH ) ના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં ૨૨ મી ફેબ્રુઆરીથી પાંચ દિવસીય શિવરાત્રીનો મેળો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મેળાની તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે. જૂનાગઢના ભવનાથમાં ગિરનારના સાનિધ્યમાં ભવ્ય મેળો ૨૨ ફેબ્રુઆરીથી શરૂ થશે. આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે, ત્યારે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ મેળાના સુચારુ આયોજન માટે ૧૩ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.
આ સમિતિઓમાં મુખ્ય સંકલન સમિતિ, મેળા સ્થળ આયોજન સમિતિ, જાહેર સલામતી તથા ટ્રાફિક નિયંત્રણ સમિતિ સહિતની અન્ય મહત્વપૂર્ણ સમિતિઓનો સમાવેશ થાય છે. ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ તળેટી વિસ્તારમાં દર વર્ષે મહા વદ-૯ના રોજ આ પરંપરાગત મેળો યોજાય છે.
મેળા દરમિયાન દિગંબર સાધુઓ પાંચ દિવસ સુધી ધૂણી ધખાવે છે. આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા આ મેળામાં સાધુ-સંતો સાથે મોટી સંખ્યામાં ભાવિકો પધારે છે. વાત કરીએ તો શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય સુવિધા, પાણી પુરવઠો, સફાઈ વ્યવસ્થા, વીજળી અને ધ્વનિ વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે અલગ સમિતિઓ કાર્યરત રહેશે.
જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેથી સરળ અને સુવ્યવસ્થિત આયોજન થઈ શકે.