Last Updated on by Sampurna Samachar
જંગલ જેવી જ આઝાદી અને આનંદનો અનુભવ કરીને જીવન વિતાવશે બંને હાથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી દ્વારા સ્થપાયેલી એનિમલ રેસ્ક્યૂ અને રિહેબિલિટેશન સંસ્થા વનતારામાં બે મહિલા હાથીનું આગમન થશે. આ બંને હાથીમાં એક ૧૮ વર્ષીય વિષ્ણુપ્રિયા અને બીજી ૨૬ વર્ષીય લક્ષ્મીપ્રિયા છે. જે કોલકાતા પાસેના માયાપુરની ઇસ્કોન સંસ્થાના છે. તેઓને વનતારામાં લાવવા પાછળ ગત એપ્રિલ મહિનામાં બનેલી એક ઘટના જવાબદાર છે, જેમાં વિષ્ણુપ્રિયાએ તેના મહાવત પર ગંભીર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ તેની ખાસ કાળજી લેવાની અને તેને સારું વાતાવરણ પૂરું પાડવાની જરૂરિયાત ઊભી થઈ હતી.
વનતારા અને ઇસ્કોન દ્વારા શરૂ કરાયેલા આ ટ્રાન્સફર પ્રોજેક્ટને ત્રિપુરા હાઇકોર્ટ દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ મંજૂરી આપી હતી. આ સમિતિને સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપી હતી. વનતારામાં વિષ્ણુપ્રિયા અને લક્ષ્મીપ્રિયાને તેઓના કાયમી નિવાસ જેવી જ બનાવવામાં આવેલી કુદરતી જગ્યાએ રાખવામાં આવશે. અહીં તેઓને પશુ નિષ્ણાતોની સેવા પણ મળશે. તેઓને બીજા હાથીઓ સાથે હળી-મળી શકે અને મજબૂત સંબંધ બનાવી શકે એ પ્રકારનું વાતાવરણ પણ મળશે.
ઇસ્કોન માયાપુર પાસે વર્ષ ૨૦૦૭થી લક્ષ્મીપ્રિયા અને ૨૦૧૦થી વિષ્ણુપ્રિયા હતા. આ બંને હાથી મંદિરના વિવિધ તહેવારો અને વિધિમાં ભાગ લેતા હતા. પેટા જેવી પ્રાણી સંરક્ષણ સંસ્થાઓ દ્વારા આ હાથીઓને વિશ્વસનીય અને જાણીતા એલિફન્ટ કેરમાં મોકલવાની ભલામણ કરાઈ હતી. આ હાથીઓને રેસ્ક્યૂ સેન્ટરમાં મોકલવા બદલ પેટા દ્વારા મિકેનિકલ એલિફન્ટ આપવાની રજૂઆત પણ કરાઈ હતી.
ઇસ્કોન મંદિરના વરિષ્ઠ સદસ્ય અને મહાવત તેમજ હાથીના મેનેજર હ્રીમતી દેવી દાસીએ કહ્યું, ઇસ્કોનની માન્યતા પ્રમાણે ભૌતિક દેહની અંદર તો બધા એકસરખા આધ્યાત્મિક આત્મા જ છે. અમે કોઈપણ જાતિ પ્રજાતિનો ભેદ કરતાં નથી. દરેક શરીરનો સ્વભાવ અલગ હોય છે પરંતુ બધાની અંદર આત્મા તો આધ્યાત્મિક જ છે અને તે સન્માનનિય છે તથા કરુણા પામવાને લાયક છે. ભગવાન કૃષ્ણ અમને એ જ શીખવાડે છે કે તમામ જીવોનું રક્ષણ કરવું અને સંભાળ લેવી એ જ સાચી સેવા છે. મેં પોતે વનતારાની મુલાકાત લીધી છે. હું જેમાં માનુ છું એ જ સિદ્ધાંતોનું અહીં પાલન થાય છે. મને વિશ્વાસ છે કે લક્ષ્મીપ્રિયા અને વિષ્ણુપ્રિયા અહીં વધારે ખિલશે અને નવા મિત્રો બનાવશે. અહીં તેઓ જંગલ જેવી જ આઝાદી અને આનંદનો અનુભવ કરીને જીવન વિતાવશે.