Last Updated on by Sampurna Samachar
અમે રાજકીય રૂપે ભાજપનો વિરોધ કર્યો , આગળ પણ કરીશું
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ સવાલો ઉઠાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે ફરી એકવાર આમ આદમી પાર્ટીને ટોણો માર્યો છે. સરકાર સાથે વિવાદ વિના કામ કરવા વિશે પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું કે, તો પછી કેજરીવાલ જેવા પરિણામો માટે તૈયાર રહેવું પડે. હું જમ્મુ-કાશ્મીરની જનતાના સારા માટે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહ્યો છું. નોંધનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ઓમર અબ્દુલ્લાહે INDIA ગઠબંધનની એકતા પર પણ પ્રશ્ન ઊભા કર્યાં હતાં.
એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે કહ્યું કે, ભાજપના ઘણાં કામથી અમે અસંમત છીએ અને ભવિષ્યમાં પણ રહીશું. અમે રાજકીય રૂપે ભાજપનો વિરોધ કર્યો છે અને આગળ પણ કરતાં રહીશું. અમે INDIA બ્લોકના સભ્ય છીએ અને જ્યાં સુધી આ ગઠબંધન રહેશે, ત્યાં સુધી તેનો ભાગ રહીશું. પરંતુ, અહીં જમ્મુ-કાશ્મીરની જનતાના સારા માટે જમ્મુ-કાશ્મીર સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવા વિશે વાત કરી રહ્યાં છીએ.
સમાધાનનો કોઈ સવાલ જ નથી
મુખ્યમંત્રી અબ્દુલ્લાહે કહ્યું કે, સમાધાનનો કોઈ સવાલ જ નથી. અમુક વસ્તુ જે ભારત સરકાર કરી રહી છે, તેનો અમે વિરોધ કરીએ છીએ. જેમકે, વક્ફ બિલને લઈને સંસદમાં જે થઈ રહ્યું છે, તે અમારી વિરોધમાં છે. પરંતુ, જો કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં અમારા કામને સમર્થન કરી રહી છે અને મુશ્કેલી ઊભી નથી કરી રહી અથવા ફન્ડ આપવાથી ઈનકાર નથી કરી રહી તો અમે તેમની સાથે ઝઘડો કરીએ તે મૂરખામી હશે. જો કાલે તેમનું વર્તન બદલાય છે, તો અમારે પોતાના વલણનો પણ વિચાર કરવો પડશે, પરંતુ, હાલની સ્થિતિમાં સરકારે આવું કોઈ કારણ મને નથી આપ્યું, જેના કારણે હું તેમની સાથે ઝઘડો કરૂ.
ભારત સરકાર સાથે જે સ્તરે મારી ચર્ચા થઈ છે, મને આશા છે કે, જમ્મુ-કાશ્મીરને એક વર્ષથી ઓછા સમયમાં રાજ્યનો દરજ્જો પાછો મળી જશે.
૮ ફેબ્રુઆરીએ જ્યારે દિલ્હી વિધાનસભાના ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યાં હતાં, ત્યારે મુખ્યમંત્રી અબ્દુલ્લાહ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના વલણ પર નારાજગી વ્યક્ત કરી રહ્યા હતાં. પરિણામ દરમિયાન તેમણે એક મીમ શેર કરીને લખ્યું કે, હજુ લડો એકબીજા સાથે ! દિલ્હીમાં ૧૦ વર્ષ શાસન કર્યાં બાદ ૨૦૨૫ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ખાતામાં ૭૦ માંથી ૨૨ બેઠક આવી છે. જોકે, ભાજપે પૂર્ણ બહુમતિ સાથે સરકાર બનાવી હતી. વળી બીજી બાજું કોંગ્રેસ ખાતું પણ ખોલી નહતી શકી.