Last Updated on by Sampurna Samachar
આ દર્દનાક ઘટના ઓડિશાના એક ગામની જુઓ
બાળકને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
એક નાનું માસૂમ બાળક જે બરાબર રડી પણ શકતું ન હતું, તેની કોમળ ત્વચા પર સળગતા લોખંડ સળિયાના ડામના નિશાન બની ગયા હતા. પીડાથી કણસતા તે બાળકની ચીસો કદાચ હવામાં ગાયબ થઈ ગઈ, કારણ કે તેને બચાવવાને બદલે, તેના પોતાના લોકોએ તેને અંધશ્રદ્ધાની આગમાં ફેંકી દીધો હતો. આ ભયાનક ઘટના ઓડિશાના નબરંગપુર જિલ્લામાં બની હતી, જ્યાં એક મહિનાના બાળકને ગરમ લોખંડથી ૪૦ વાર ડામ આપવામાં આવ્યા હતા. પરિવારે વિચાર્યું કે આનાથી તે સાજો થઈ જશે, પરંતુ વાસ્તવિકતા ઘણી વધારે પીડાદાયક હતી. શું અંધશ્રદ્ધા કોઈ નિદોર્ષના દુઃખ કરતાં મોટી હોઈ શકે ?
પ્રાપ્ત માહિતી અનુસાર, ઓડિશાના નબરંગપુર જિલ્લામાં એક દદર્નાક ઘટના સામે આવી છે, જ્યાં એક મહિનાના નવજાત બાળકને ગરમ લોખંડથી ૪૦ વાર ડામ દઈને બાળી નાખવામાં આવ્યું હતું. આ અમાનવીય કૃત્ય એટલા માટે કરવામાં આવ્યું કારણ કે પરિવારના સભ્યો માનતા હતા કે આનાથી બાળક સાજું થઈ જશે.
અંધશ્રધ્ધામાં બાળકની પરવાહ ન કરી
એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળક છેલ્લા ૧૦ દિવસથી ખૂબ જ તાવથી પીડાઈ રહ્યું હતું, પરંતુ પરિવારે ડૉક્ટર પાસે જવાને બદલે અંધશ્રદ્ધા પર આધાર રાખ્યો હતો. જ્યારે બાળકની હાલત બગડવા લાગી, ત્યારે તેને ઉમરકોટ સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેની સારવાર શરૂ કરી હતી.
તબીબી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના ઓડિશાના નબરંગપુર જિલ્લામાં ગંભારીગુડા પંચાયતના ચાંદાહાંડી બ્લોકમાં આવેલા ફંડેલપાડા ગામમાં બની હતી. ડોક્ટરોએ જણાવ્યું કે પરિવારના સભ્યો માનતા હતા કે બાળકને ગરમ લોખંડથી ડામ આપવાથી તેના શરીરમાંથી દુષ્ટ આત્માઓ બહાર નીકળી જશે. આ અંધશ્રદ્ધાને કારણે, નવજાત શિશુને માથા અને પેટ પર ગરમ લોખંડ સળિયાના ડાણ આપીને બાળી નાખવામાં આવ્યું હતું. ડોક્ટરોએ પુષ્ટિ આપી કે બાળક હાલમાં સ્થિર છે, પરંતુ તેને ખૂબ દુખાવો થઈ રહ્યો છે. તેમણે આવી ઘટનાઓને રોકવા માટે જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
આવી અંધશ્રદ્ધાઓ હજુ પણ દૂરના વિસ્તારોમાં પ્રચલિત છે, જ્યાં લોકો રોગોને દુષ્ટ આત્માઓ અથવા મેલીવિદ્યા સાથે જોડે છે. તબીબી અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં આ વિસ્તારમાં જાગૃતિ અભિયાન શરૂ કરશે, જેથી લોકો રોગની યોગ્ય સારવાર માટે હોસ્પિટલોમાં જાય અને આવા ખતરનાક પગલાંથી દૂર રહે. વહીવટીતંત્રે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને કહ્યું છે કે આવી પ્રથાઓને રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.