Last Updated on by Sampurna Samachar
ટ્રાવેલ એજન્ટ પાસેથી ૧૯ લાખ પડાવનાર માસ્ટમાઇન્ડ ઝડપાયો
ટૂર એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલા એક વેપારી સાથે અત્યંત ચાલાકી અને પ્લાનિંગથી છેતરપિંડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
છત્તીસગઢની રાજધાની રાયપુરના તેલીબાંધા વિસ્તારમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલા એક વેપારી સાથે અત્યંત ચાલાકી અને પ્લાનિંગથી છેતરપિંડી આચવામાં આવી છે. આ કેસમાં પીડિત હરદીપ સિંહ હોરા “ટ્રાવેલ પ્લાનર” નામની ટૂર અને ટ્રાવેલ્સ કંપની ચલાવે છે.

૧ માર્ચ ૨૦૨૬ના રોજ હરદીપ સિંહ હોરાને વોટ્સએપ કોલ આવ્યો. કોલ કરનાર વ્યક્તિએ પોતાને હર્ષિત અગ્રવાલ તરીકે ઓળખાવ્યો અને અમેરિકા તેમજ લંડનમાં હોટલ બુકિંગની વાત કરી. વિશ્વાસ જીતવા માટે તેણે વિવિધ હોટલ વિકલ્પો માંગ્યા અને બીજા દિવસે પેમેન્ટ કરવાનું કહ્યું.
પૂછપરછ દરમિયાન અમન શર્માએ મોટો ખુલાસો કર્યો
૨ માર્ચે આરોપીએ હરદીપ સિંહને તેલીબાંધા સ્થિત કરન્સી ટાવરમાં આવેલા કો-વર્કિંગ સ્પેસ પર બોલાવ્યા. તેમને ૧૮૦૦૦ અમેરિકી ડોલર અને ૨૦૦૦ બ્રિટિશ પાઉન્ડ સાથે લાવવાનું કહ્યું હતું અને બદલામાં ભારતીય રૂપિયા આપવાની લાલચ આપી હતી.
જ્યારે પીડિત સ્થળ પર પહોંચ્યા ત્યારે એક આરોપી નોટ ગણવાની મશીન લાવવાના બહાને બહાર નીકળી ગયો, જ્યારે બીજો આરોપી ફોન પર વાતો કરીને તેમને વ્યસ્ત રાખતો રહ્યો. આ દરમિયાન આરોપીઓ વિદેશી કરન્સી લઈને ફરાર થઈ ગયા. આ છેતરપિંડીની રકમ અંદાજે ૧૯,૪૭,૪૦૦ રૂપિયા હોવાનું કહેવાય છે.
પીડિતે આ મામલે તેલીબાંધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જે બાદ એન્ટી ક્રાઈમ અને સાયબર સેલની ટીમને તપાસ સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન પ્રથમ બે આરોપીઓ પ્રોસેનજિત ચક્રવર્તી (પશ્ચિમ બંગાળ) અને મયંક શર્મા (હરિયાણા)ને ઝડપી લેવામાં આવ્યા. તેમની પાસેથી ૪.૫ લાખ રૂપિયા અને મોબાઈલ ફોન્સ કબજે કરવામાં આવ્યા છે.
પૂછપરછમાં ત્રીજા આરોપી અમન શર્માની માહિતી મળતાં પોલીસની ટીમ કોલકાતાના ૨૪ પરગણા વિસ્તારમાં પહોંચી. ટેક્નિકલ વિશ્લેષણ અને લોકેશન ટ્રેસિંગના આધારે અમન શર્માને પણ ઝડપી લેવામાં આવ્યો છે. તેની પાસેથી એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે.
પૂછપરછ દરમિયાન અમન શર્માએ મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તે પોતાના મામા અને ગેંગના અન્ય સભ્યો સાથે મળીને આવી છેતરપિંડી આચરતો હતો. દેશના વિવિધ રાજ્યોમાં તેઓએ આ જ પેટર્નથી ૨૨ કેસમાં આશરે ૩ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ગેંગના બાકીના સભ્યોની ઓળખ કરીને તેમને પકડવાના પ્રયાસો ચાલુ છે. આવી ઠગીઓથી નાગરિકોને સાવધ રહેવાની અપીલ પણ કરવામાં આવી છે.