Last Updated on by Sampurna Samachar
GDP ગ્રોથમાં નજીવો ઘટાડો નોંધાયા છતાં ભારતીય અર્થતંત્ર વિકસિત
છેલ્લા બે નાણાકીય વર્ષમાં માથાદીઠ GDP રૂ. ૪૦, ૦૦૦ વધ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી ઉભરી રહી હોવાનો રિપોર્ટ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે (IMF) આપ્યો છે. IMF એ ભારતના અર્થતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરતી ઈકોનોમી બનશે, GDP ગ્રોથ ૬.૫ ટકા રહી શકે છે. આ સિવાય GDP ગ્રોથ જાળવી રાખવા અમુક પગલાંઓ લેવા પણ સલાહ આપી છે. જેથી વિશ્વની ત્રીજી ટોચની ઈકોનોમી બનવાનો ટાર્ગેટ ઝડપથી હાંસલ કરી શકાય.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ત્રીજા ત્રિમાસિકમાં GDP ગ્રોથ ૬.૨ ટકા નોંધાયો છે. જોકે, તે અપેક્ષિત ૬.૩ ટકાના GDP ગ્રોથ સામે ઓછો છે. બીજા ત્રિમાસિકમાં GDP ગ્રોથ ૫.૬ ટકા નોંધાયો હતો. નાણાકીય વર્ષના અંતે GDP ગ્રોથ ૬.૫ ટકા નોંધાવાનો અંદાજ છે.
ભારતનો GDP ગ્રોથ વધ્યો
IMF એ GDP ગ્રોથ જાળવી રાખવા ભારતને અમુક સલાહ પણ આપી છે. જે અનુસાર, મજબૂત ખાનગી રોકાણ અને FDI ને પ્રોત્સાહન આપવુ પડશે. નીતિગત માળખું, વેપાર કરવામાં સરળતાં તેમજ ટેરિફ-નોન ટેરિફ કપાતના માધ્યમથી બિઝનેસને એકીકૃત કરવો પડશે. વૈશ્વિક પડકારો વચ્ચે ભારતનો GDP ગ્રોથ ઝડપથી વધી રહ્યો છે. આ વેગને જાળવી રાખવા વ્યાપારિક, આર્થિક અને નાણાકીય સ્થિરતા આવશ્યક છે. ભારતના ખાનગી વપરાશમાં મજબૂત વૃદ્ધિનો ટેકો મળી રહ્યો છે.
GDP ગ્રોથમાં નજીવો ઘટાડો નોંધાયો હોવા છતાં ભારતીય અર્થતંત્ર વિકસી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ છ માસમાં વાર્ષિક છ ટકાના દરે ગ્રોથ નોંધાયો છે. મોંઘવારીનો દર RBI ના નિર્ધારિત ૨-૬ ટકાના સ્તરે સ્થિર રહ્યો છે. IMF નું નવુ મૂલ્યાંકન ભારતની આર્થિક તાકાતને રેખાંકિત કરે છે. તેમજ લોંગટર્મ સમૃદ્ધિ સુનિશ્ચિત કરતાં ૨૦૪૭ સુધી દેશ વિકસિત રાષ્ટ્ર બનવાનો લક્ષ્ય હાંસલ કરશે.
IMF એ ભારતીય અર્થવ્યવસ્થા અંગે રાહતભર્યા સમાચાર આપ્યા છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ઈકોરેપ રિપોર્ટમાં પણ સરકારની શ્રેષ્ઠ નીતિઓ અને ડીબીટી પ્રણાલીના લીધે ભારતમાં માથાદીઠ GDP રૂ. ૨.૩૫ લાખ સુધી પહોંચવાનો અંદાજ છે. છેલ્લા બે નાણાકીય વર્ષમાં માથાદીઠ GDP રૂ. ૪૦, ૦૦૦ વધ્યો છે. તેમજ GDP ગ્રોથ અંદાજ પણ ચાલુ નાણાકીય વર્ષમાં ૬.૫ ટકા નોંધાવાનો લક્ષ્યાંક આપ્યો છે.