ભારત – પાકિસ્તાન વચ્ચેની ૨૩ ફેબ્રુઆરીએ યોજાશે મેચ
વિરાટ કોહલી સૌથી આગળ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમનો બીજો મુકાબલો ૨૩ ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે થવાનો છે. જેથી સૌ કોઇની નજર વિરાટ કોહલી પર રહેશે, જે છેલ્લા કેટલાક સમયથી ફોર્મમાં સંઘર્ષ કરી રહ્યો છે. અલબત્ત, કોહલી તેના ફોર્મમાં નથી, પરંતુ ભારતીય ચાહકોએ નિરાશ થવાની કોઈ જરૂર નથી કારણ કે તેનું બેટ હંમેશા પાકિસ્તાન સામે આગ ઓકે છે.
વિરાટ કોહલી ભારતીય બેટ્સમેન છે જેણે વનડે ક્રિકેટમાં પાકિસ્તાન સામે સૌથી વધુ રન બનાવ્યા છે. રોહિત શર્મા પણ ટોચના ૫ ખેલાડીઓની યાદીમાં સામેલ છે. વિરાટ કોહલીએ ૧૮ માર્ચ ૨૦૧૨ના રોજ મીરપુરમાં પાકિસ્તાન સામે ૧૮૩ રનની ઇનિંગ રમી હતી. આ વનડેમાં પાકિસ્તાન સામે કોઈપણ ભારતીયનો સૌથી મોટો સ્કોર છે. આ ઇનિંગમાં તેણે ૨૨ ચોગ્ગા અને ૧ છગ્ગો ફટકાર્યો હતો. તો ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની આ યાદીમાં બીજા નંબરે છે. તેમણે ૫ એપ્રિલ ૨૦૦૫ના રોજ પાકિસ્તાન સામે ૧૪૮ રનની ઇનિંગ રમી હતી. ૧૨૩ બોલની આ ઇનિંગમાં તેણે ૧૫ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકાર્યા.
તેમજ ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ૧૪૧ રન સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે. તેણે આ ઇનિંગ ૨૫ જાન્યુઆરી ૨૦૦૦ ના રોજ એડિલેડમાં પાકિસ્તાન સામે રમી હતી. આ ઇનિંગમાં ગાંગુલીએ ૧૨ ચોગ્ગા અને ૧ છગ્ગો ફટકાર્યો હતો.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ પાકિસ્તાન સામે ૧૪૧ રનની ઇનિંગ રમી હતી. તેણે આ ઇનિંગ ૧૬ માર્ચ ૨૦૦૪ના રોજ રાવલપિંડીમાં રમી હતી. ૧૩૫ બોલની આ ઇનિંગમાં સચિને ૧૭ ચોગ્ગા અને ૧ છગ્ગો ફટકાર્યો હતો.
૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર રોહિત શર્મા આ યાદીમાં પાંચમા ક્રમે છે. પાકિસ્તાન સામે રોહિત શર્માનો વનડેમાં સર્વોચ્ચ સ્કોર ૧૪૦ રન છે. રોહિતે આ ઇનિંગ ૧૬ જૂન ૨૦૧૯ ના રોજ માન્ચેસ્ટરમાં રમી હતી. ૧૧૩ બોલની આ ઇનિંગમાં રોહિતે ૧૪ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા.