રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ચીનના વિદેશ મંત્રી કરશે ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ચીન સાથે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) અંગે વિશેષ પ્રતિનિધિ સ્તરની વાતચીત કરવા ચીન જઈ રહ્યા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને ચીન સરહદને લઈને આ બેઠક ૧૭ અને ૧૮ ડિસેમ્બરે યોજાશે. જેમાં ડોભાલ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ચર્ચા કરશે. આ મુલાકાતને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સીમા વિવાદના ઉકેલની દિશામાં એક મોટા પગલાં તરીકે જોવામાં આવી રહી છે.
ગલવાન અથડામણ બાદ આ વિશેષ પ્રતિનિધિ સ્તરની પ્રથમ બેઠક થશે. બંને દેશો વચ્ચે છેલ્લે આ પ્રકારની ચર્ચા ડિસેમ્બર, ૨૦૧૯માં થઈ હતી. જૂન, ૨૦૨૦માં ગલવાન ખીણમાં અથડામણ બાદ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો બગડ્યા હતાં. ઉચ્ચસ્તરીય વાર્તાના પરિણામોથી આગામી કોર્પ્સ કમાન્ડર સ્તરની ચર્ચાનો માર્ગ મોકળો બનશે.
નવી દિલ્હીમાં આયોજિત વર્કિંગ મિકેનિઝ્મ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન બેઠક દરમિયાન બંને દેશોની ચર્ચા કરવાની સહમતિ સાથે આ બેઠક યોજાશે. આ બેઠકમાં શાંતિપૂર્ણ સમાધાન થવાના નવા માર્ગો ખૂલશે, તેમજ સ્થિરતા પણ વધવાનો સંકેત રાજકીય વિશ્લેષકો આપી રહ્યા છે.
ભારત અને ચીન વચ્ચે ઓક્ટોબરમાં જ LAC પર પેટ્રોલિંગને લઈને એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કરાર હેઠળ, એલએસી પર બધું જૂન ૨૦૨૦ પહેલા જેવું જ હશે. જૂન ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ અહીં તણાવ હતો. એવી ઘણી જગ્યાઓ હતી જ્યાં પેટ્રોલિંગ બંધ થઈ ગયું હતું.ભારત અને ચીન વચ્ચે અથડામણ- ડેપસાંગ, ડેમચોક, ગલવાન વેલી, પેંગોંગ ત્સો અને ગોગરા હોટ સ્પ્રિંગ. ૨૦૨૦ પછી અનેક રાઉન્ડની વાતચીત બાદ બંને દેશોની સેનાઓ ગલવાન વેલી, પેંગોંગ ત્સો અને ગોગરા હોટ સ્પ્રિંગમાંથી પીછેહઠ કરી હતી.
જો કે, ડેપસાંગ અને ડેમચોકમાં સૈનિકો તૈનાત હોવાથી સંઘર્ષનો ભય હતો. પરંતુ હવે સમજૂતી બાદ ભારત અને ચીનની સેના પાંચ જગ્યાએથી હટી ગઈ છે અને પહેલાની જેમ અહીં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ડેપસાંગમાં પેટ્રોલિંગ ભારતના દૃષ્ટિકોણથી પણ મહત્વનું છે કારણ કે કારાકોરમ પાસ પાસે દૌલત બેગ ઓલ્ડી પોસ્ટથી ૩૦ કિલોમીટર દૂર છે. ટેકરીઓ વચ્ચે એક સપાટ વિસ્તાર પણ છે, જેનો ઉપયોગ લશ્કરી પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે. જ્યારે ડેમચોક સિંધુ નદી પાસે આવે છે. જાે અહીં ચીનનો અંકુશ હોત તો ઉત્તર ભારતના રાજ્યોમાં પાણી પુરવઠાને અસર થવાનો ભય હતો.
ભારત અને ચીન વચ્ચે ૩,૪૮૮ કિલોમીટર લાંબી સરહદ છે. તેને વિશ્વની સૌથી લાંબી વિવાદિત સરહદ પણ કહેવામાં આવે છે. આ સરહદ ત્રણ ક્ષેત્રોમાં વહેંચાયેલી છે – પૂર્વીય, મધ્ય અને પશ્ચિમ. લદ્દાખ પશ્ચિમી ક્ષેત્રમાં આવે છે. ભારત અને ચીન વચ્ચે કોઈ સત્તાવાર સરહદ નથી અને તેનું કારણ ખુદ ચીન છે અને તેના કારણે વિવાદનો કોઈ ઉકેલ શોધી શકાતો નથી. ચીન અરુણાચલ પ્રદેશની ૯૦ હજાર ચોરસ કિલોમીટર જમીન પર દાવો કરે છે અને તેને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવે છે. એ જ રીતે, ૨ માર્ચ, ૧૯૬૩ના રોજ થયેલા કરાર હેઠળ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં ૫,૧૮૦ ચોરસ કિલોમીટર જમીન ચીનને આપી હતી. જ્યારે ચીન લદ્દાખના ૩૮ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં પહેલાથી જ ગેરકાયદેસર કબજો કરી રહ્યું છે. એકંદરે, ૪૩,૧૮૦ ચોરસ કિલોમીટર જમીન પર હજુ પણ વિવાદ છે.