Last Updated on by Sampurna Samachar
આ પ્રકારની વ્યક્તિ IIT જેવી સંસ્થાના ડાયરેક્ટરના પદ પર રહેવાને લાયક નથી : DMK ના નેતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં સ્થાન ધરાવતા IIT મદ્રાસના ડાયરેક્ટર વી કામકોટીએ એક વિચિત્ર દાવો કર્યો હતો, તેમણે કહ્યું હતું કે મારા જાણીતા એક સંન્યાસીને ખુબ તાવ આવ્યો હતો, તેમણે ગૌમૂત્રનો ઉપયોગ કર્યો ને તેમનો તાવ ઉતરી ગયો, ગૌમૂત્રનો ઉપયોગ સારવાર માટે શક્ય છે. IIT ડાયરેક્ટરના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ભારે ટિકા થઇ હતી.
ચેન્નઇમાં ગાય પર આધારીત એક કાર્યક્રમને સંબોધતા IIT મદ્રાસના ડાયરેક્ટર કામકોટીએ કહ્યું હતું કે ગૌમૂત્રમાં એન્ટી-બેક્ટીરિયલ અને એન્ટી-ફંગલ ગુણો હોય છે. ગૌમુત્રથી પાચનતંત્ર સારુ રહે છે અને ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ જેવી પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓની સારવાર કરી આપે છે. એક સન્યાસીએ તાવની સારવાર માટે ગૌમુત્રનો ઉપયોગ કર્યો હતો. જોકે IIT મદ્રાસના ડાયરેક્ટરના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકોએ ગૌમુત્રથી સારવાર શક્ય છે તેવા દાવાનો પુરાવો માંગ્યો હતો.
DMK ના નેતા ટીકેએસ ઇલંગોવને કહ્યું હતું કે આ પ્રકારની વ્યક્તિ IIT જેવી સંસ્થાના ડાયરેક્ટરના પદ પર રહેવાને લાયક નથી, તેમને કોઇ મેડિકલ કોલેજમાં તૈનાત કરવા જોઇએ, IIT એન્જિનિયરિંગ સંસ્થા છે. પેરિયાર દ્વવિડર કઝગામના નેતા કે રામાક્રિષ્નને કહ્યું હતું કે કામકોટીએ ગૌમુત્રથી સારવાર શક્ય છે તેવા જે દાવા કર્યા છે તેના પુરાવા આપે નહીં તો માફી માગે. જો તેઓ માફી નહીં માંગે તો તેમની સામે અમે વિરોધ પ્રદર્શન કરીશું. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ IIT મદ્રાસના ડાયરેક્ટરના આ દાવાનું સમર્થન પણ કર્યું હતું. જોકે હાલ તેમના આ નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર ગૌમુત્ર પર ચર્ચા છેડાઇ ગઇ છે.