Last Updated on by Sampurna Samachar
સ્મૃતિ ઇરાનીનું નામ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચર્ચામાં
વડાપ્રધાન મોદી તથા અમિત શાહના વિશ્વાસુ વ્યક્તિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય જનતા પાર્ટી ચાલુ મહિને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની જાહેરાત કરી શકે તેવી માહિતી મળી રહી છે. જોકે, આ ર્નિણય પાર્ટીના સંગઠનાત્મક ચૂંટણી પછી લેવામાં આવશે. પક્ષના સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી આંતરિક સહમતિથી કરવામાં આવશે. તેમજ ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે તેની શક્યતા છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે, આ કામ માટે ભાજપ (BHAJAP) દક્ષિણ ભારતમાંથી કોઇને જવાબદારી સોંપી શકે છે.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જો કોઈ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવે તો તેમાં સૌથી પહેલા મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોઇમ્બતુરના ધારાસભ્ય વનથી શ્રીનિવાસન અથવા આંધ્ર પ્રદેશ ભાજપ અધ્યક્ષ દગ્ગુબાતી પુરંદેશ્વરી આ પદ માટે સંભવિત ઉમેદવાર માની શકાય છે. ૬૬ વર્ષીય પુરંદેશ્વરી ૨૦૧૪માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા અને સંગઠનાત્મક મામલામાં તેમનો મહત્ત્વપૂર્ણ અનુભવ રહ્યો છે.
દક્ષિણ ભારતમાં ભાજપ પોતાની પકડ મજબૂત કરશે
મળતી માહિતી પ્રમાણે પુરંદેશ્વરીને દક્ષિણ ભારતના સુષ્મા સ્વરાજ તરીકે ઓળખવામાં આવે છે, તેમના શાનદાર ભાષણની ક્ષમતા અને પાંચ ભાષામાં પ્રવીણતાને કારણે તેમને ભાજપ સમર્થકોમાં સ્વીકૃતિ મળી છે. વનથી શ્રીનિવાસન પાર્ટીના રણનીતિકાર અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સામેલ થતા જોવામાં મળ્યા છે. આ ઉપરાંત એક સીનિયર નેતાના જણાવ્યા પ્રમાણે તેઓ પોતાના મોર્ચા હેઠળ કેટલાક સફળ કાર્યક્રમ આયોજિત કરવા માટે જાણીતા છે.
તેમજ વડાપ્રધાન મોદી તથા અમિત શાહના એક વિશ્વાસુ વ્યક્તિ માનવામાં આવે છે. આ સાથે ભાજપના સ્મૃતિ ઇરાનીનું નામ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચર્ચામાં છે.
તમિલનાડુના ૫૫ વર્ષીય વનથી શ્રીનિવાસન કોઇમ્બતુરના ધારાસભ્ય ઉપરાંત ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. તેઓની પાર્ટીના સંગઠનમાં મજબૂત પકડ ધરાવે છે અને તમિલનાડુમાં કેટલાક મહિલા સશક્તિકરણ અને સામાજિક સુધાર અભિયાનનું નેતૃત્ત્વ પણ કર્યું છે.
હકીકતમાં દક્ષિણ ભારતમાં ભાજપ પોતાની પકડ મજબૂત બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ અહીં કેટલીક બેઠક વધારી છે, પરંતુ તમિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશમાં હજુ પણ ભાજપે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તેથી જો ભાજપ દક્ષિણ ભારતમાં કોઇ મહિલાને અધ્યક્ષ બનાવે છે તો આ મોટો રાજકીય મેસેજ હશે.
વર્ષ ૧૯૮૦માં ભાજપની સ્થાપના થઇ હતી, પરંતુ અત્યાર સુધીમાં પાર્ટીએ કોઇ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ આપ્યા નથી. તેથી જો આ વખતે ભાજપ નેતૃત્ત્વ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવે છે, તો આ એક ઐતિહાસિક ર્નિણય કહેવાશે.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ભાજપના નવા અધ્યક્ષની પસંદગી ૫૦-૭૦ વર્ષની વચ્ચે થશે. જેથી હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રેસમાંથી બહાર થઇ શકે છે. વર્તમાનમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રેસમાં છે. ભાજપ જો મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી ન કરે તો ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, વિનોદ તાવડે, મનોજ સિન્હા, શિવરાજસિંહ ચૌહાણ, અનુરાગ ઠાકુરના નામ ચર્ચામાં છે.