Last Updated on by Sampurna Samachar
સુરક્ષા દળના ત્રણ જવાનો ઘાયલ
ઘાયલોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઝારખંડ (ZARKHAND) ના ચાઈબાસા જિલ્લામાં નક્સલીઓએ જમીનમાં છુપાયેલો IED બ્લાસ્ટ થતાં CRPF કોબરા બટાલિયનના એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત સુરક્ષા દળના ત્રણ જવાનો ઘાયલ થયા છે. ઘાયલોને એરલિફ્ટ કરીને તુરંત રાંચીની હોસ્પિટલમાં લઈ જવાયા છે.
વાસ્તવમાં સુરક્ષા દળના જવાનો અને પોલીસની સંયુક્ત ટીમ જરાઈકેલા પોલીસ સ્ટેશન વિસ્તારના બલીબામાં નક્સલીઓ વિરુદ્ધના અભિયાન હેઠળ સર્ચ ઓપરેશન કરી રહી હતી. આ દરમિયાન જમીનમાં છુપાવેલો બોંબ અચાનક વિસ્ફોટ થયો હતો. તપાસ કરવામાં આવતા IED બ્લાસ્ટ થયો હોવાનો ખુલાસો થયો છે.
નક્સલીઓના ત્રણ ઠેકાણાને ધ્વસ્ત કરાયા
ચાઈબાસા SP આશુતોષ શેખરે ઘટનાની પુષ્ટી કરતા કહ્યું કે, નક્સલીઓ વિરુદ્ધ સતત અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન એક IED માં ધડાકો થવાની ઘટના બની છે. વિસ્ફોટની ઝટેપમાં આવેલા ઘાયલ CRPF ના આસિસ્ટન્ટ કમાન્ટન્ડ અને બે જવાનોને તાત્કાલિક હેલિપેડ સુધી લવાયા છે અને ત્યારબાદ તેમને હેલીકોપ્ટર દ્વારા રાંચીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ચાઈબાસા પોલીસ અને સુરક્ષા દળોએ છેલ્લા ૧૦ દિવસમાં નક્સલીઓના ત્રણ ઠેકાણાને ધ્વસ્ત કર્યા છે અને આ દરમિયાન અનેક હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન કરી રહેલા જવાનોએ હુસિપી જંગલમાં એક કેમ્પને ધ્વસ્ત કર્યું હતું. આ દરમિયાન મળી આવેલા ૧૦-૧૦ કિલોગ્રામના બે આઈડી નિષ્ક્રિય કરાયા હતા. કેમ્પમાંથી એક દેશી પિસ્તોલ, બે કાર્બાઈન, એક રાઈફલ, ૧૦ કિલો આઈઈડી, ૫૮ ડેટોનેટર સહિત અન્ય હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા.