Last Updated on by Sampurna Samachar
હિમવર્ષાથી માનવ જીવન પર પડી અસર
તંત્ર તરફથી હેલ્પલાઇન નંબર જાહેર કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિમાચલ પ્રદેશમાં છેલ્લાં ૧૨ કલાકથી વરસાદ અને હિમવર્ષાના કારણે બ્લેક આઉટ થઈ ગયું છે. મનાલીના અનેક ગામાડા અંધકારમાં ડૂબી ગયા છે. આ સિવાય તેની આસપાસના વિસ્તારોમાં પણ સતત ચોથા દિવસે હિમવર્ષા શરૂ છે. મનાલીમાં અત્યાર સુધી આશરે ૧ ફૂટ સુધી તાજી હિમવર્ષા થઈ ચુકી છે. અનેક રસ્તા અને ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ થઈ ચુક્યો છે. આ સાથે બદલાતા હવામાનના કારણે તાપમાનમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે.
ખરાબ વાતાવરણને લઈને તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વળી, પ્રસિદ્ધ હડિંબા મંદિરની છત પર વૃક્ષ પડી જતાં તેનો ઉપરનો ભાગ તૂટી ગયો હતો. મળતી માહિતી અનુસાર, મોડી સાંજે હિમવર્ષા શરૂ થઈ હતી, જે બીજા દિવસે બપોર સુધી શરૂ હતી. તેમજ મનાલીના સોલાંગનાલામાં ૨ થી ૩ ફૂટ અને અટલ ટનલ રોહતાંગમાં આશરે ૩.૫ ફૂટ તાજી હિમવર્ષા થઈ ચુકી છે. જેના કારણે લેહ મનાલી હાઇવે બંધ કરવામાં આવ્યો છે.
અનેક ટૂરિસ્ટો ફસાયા
સતત થઈ રહેલાં હિમવર્ષાના કારણે અનેક રસ્તા પર તેની અસર જોવા મળી હતી. આ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. જ્યાં હવામાન વિભાગે ફરી હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે.
કુલ્લુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસેથી મળેલી જાણકારી અનુસાર, કુલ્લુ જિલ્લામાં ૯૬૪ ટ્રાન્સફોર્મર ઠપ થઈ ગયા છે. મનાલીમાં સૌથી વધારે ૭૨૯ ટ્રાન્સફોર્મર હિમવર્ષાના કારણે બંધ થઈ ગયા છે. આ જ પ્રકારે, કુલ્લુમાં ૨૦૨ તેમજ આનીમાં ૨૬ ડીટીઆર બંધ છે. તંત્ર તરફથી સંપર્ક નંબર ૦૧૯૦૨- ૨૨૫૬૦૩, ૨૨૫૬૩૧, ૨૨૫૬૩૨ શરૂ કરવામાં આવ્યા છે. અનેક પ્રવાસીઓ પણ મનાલીમાં ફસાઈ ગયા છે. જોકે, તમામ સુરક્ષિત છે અને પોતાની હોટેલમાં છે. પરંતુ, હિમવર્ષા અને ભૂસ્ખલનના કારણે ડરનો માહોલ છે. વરસાદ અને હિમવર્ષાના કારણે મનાલીમાં તમામ શાળા-કોલેજ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.