રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી
સાયબર ક્રાઇમમાં મહિલા અધિકારીઓ નિભાવી રહ્યા છે જવાબદારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં મહિલાઓને વિશેષ જવાબદારી આપવામાં આવી રહી છે. પોલીસ ભરતી બોર્ડ, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી, અમદાવાદ સાયબર ક્રાઈમ જેવી અનેક મહત્વની જગ્યાઓ પર મહિલા IPS અધિકારી જવાબદારી નિભાવી રહ્યા છે.
રાજ્યમાં IPS અધિકારીઓના મંજૂર મહેકમ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૪ ની સ્થિતિએ રાજ્યમાં IPS અધિકારીઓની કુલ ૨૦૮ જગ્યાઓ મંજૂર થયેલી છે. તે પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે અને ૧૦ જગ્યાઓની ઘટ છે. તેમાં પણ ગત મહિને એક જગ્યા ભરાતા હવે ૯ જગ્યાઓની ઘટ છે. બાકી રહેલી જગ્યાઓ પણ ઝડપથી ભરી દેવામાં આવશે.
રાજ્યના કેટલા IPS અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે તે સંદર્ભે પૂછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીએ ઉમેર્યું કે, કેન્દ્રીય નીતિ મુજબ રાજ્યમાંથી ૪૫ આઇ.પી.એસ. અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હોય શકે તેની સામે ગુજરાત રાજ્યમાંથી માત્ર ૨૪ જ IPS અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર છે.
રાજ્યમાં મહિલા IPS અધિકારીઓની સંખ્યા અને તેમને આપવામાં આવતી જવાબદારીમાં ભેદભાવના આક્ષેપ અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં મહિલાઓને વિશેષ જવાબદારી આપવામાં આવી રહી છે.
ગુજરાતમાં પોલીસ ભરતીની સમગ્ર પ્રક્રિયા કરવાની મહત્વની કામગીરી એક મહિલા આઇ.પી.એસ. અધિકારી ડૉ.નીરજા ગોટરું સાંભળી રહ્યા છે. ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીની મહત્વની જવાબદારી એક મહિલા આઇ.પી.એસ. અધિકારી નિપુણા તોરવણે સાંભળી રહ્યા છે. તે ઉપરાંત ૩ હજાર કિમી દૂરથી ગુજરાતના સીસીટીવી હેક કરનાર લોકોને ગણતરીના કલાકમાં શોધી લેનાર પણ અમદાવાદ સાયબર ક્રાઇમના મહિલા આઇપીએસ અધિકારી ડૉ.લવીના સિન્હા છે.
તે ઉપરાંત જિલ્લાઓમાં DSP સહિતની મહત્વની જગ્યાઓ પર મહિલા આઇપીએસ અધિકારી જવાબદારી નિભાવી રહ્યા છે. ગુજરાત રાજ્યને ફાળવવામા આવેલા આઇ.પી.એસ. અધિકારીઓ પૈકી મહિલા આઈ.પી.એસ. અધિકારીઓની સંખ્યા ૩૪ છે.