Last Updated on by Sampurna Samachar
આ સપ્તાહે ગોલ્ડમાં ૫ ટકાથી વધુ ઉછાળો નોંધાયો
ઔદ્યોગિક સ્તરે ચાંદીની ખરીદી વધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટ્રેડવૉર અને ટેરિફવૉરના કારણે સર્જાયેલા અનિશ્ચિતતાઓના વાદળો વચ્ચે સોના-ચાંદીમાં ફરી પાછી તેજી આવી છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવ રેકોર્ડ ૩૨૦૦ ડોલર પ્રતિ ઔંસની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચતાં સ્થાનિક બજારોમાં પણ ભાવ રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. MCX સોનાએ પણ નવી સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ ૩૨૫૫.૯૦ ડોલર પ્રતિ ઔંસની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું. આ સપ્તાહે ગોલ્ડમાં ૫ ટકાથી વધુ ઉછાળો નોંધાયો છે.
અમદાવાદમાં સોનાનો ભાવ રૂ. ૨૩૦૦ના ઉછાળા સાથે ઐતિહાસિક ટોચે ૯૬૩૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પહોંચ્યો હતો. ચાંદી પણ રૂ. ૧૦૦૦ વધી રૂ. ૯૪૦૦૦ પ્રતિ કિગ્રાના સ્તરે ક્વોટ થઈ હતી. છેલ્લા ત્રણ દિવસમાં સોનું રૂ. ૫૧૦૦ પ્રતિ ૧૦ ગ્રામ વધ્યું છે. સોનું આઠ એપ્રિલના રોજ રૂ. ૩૦૦ ના ઘટાડા સાથે રૂ. ૯૧૨૦૦ પ્રતિ ૧૦ ગ્રામ થયું હતું. જે રેકોર્ડ રૂ. ૯૬૩૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે.
સ્થાનિક સ્તરે રૂપિયો મજબૂત બન્યો
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવૉર અને જિઓ-પોલિટિકલ ટેન્શન વચ્ચે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાઓ વધી છે. ડોલર નબળો પડ્યો છે. બોન્ડ યીલ્ડ નબળી પડી છે. જેના લીધે રોકાણકારો સેફહેવન એસેટ્સમાં હેજિંગ પોઝિશિન લઈ રહ્યા છે. સ્થાનિક સ્તરે રૂપિયો મજબૂત બન્યો છે. જેનો લાભ કિંમતી ધાતુને મળ્યો છે.
આગામી સમયમાં એમસીએક્સ ગોલ્ડ ૯૪૫૦૦-૯૫૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની રેન્જમાં રહેવાની શક્યતા કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે. સપોર્ટ લેવલ રૂ. ૯૨૦૦૦ છે. બીજી તરફ ટ્રમ્પ દ્વારા ટેરિફમાં ૯૦ દિવસની રાહતથી ઔદ્યોગિક સ્તરે ચાંદીની ખરીદી વધી છે. જેથી ચાંદીનો ચળકાટ વધ્યો છે.