Last Updated on by Sampurna Samachar
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
દિકરીની હાલત સ્થિર હોવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉનાળાની ગરમીમાં લોકો ઠંડા પ્રદેશોમાં પ્રવાસ કરવા જતાં હોય છે. ત્યારે આ રજાની મજા માણવુ ઘણી વખત ભારે પડી જતું હોય છે. આવો કિસ્સો મનાલીમાંથી સામે આવ્યો છે. તાજેતરમાં જ નાગપુરનો એક પરિવાર મનાલી ફરવા ગયો હતો, જ્યાં ઝિપલાઈનિંગ દરમિયાન તેમની પુત્રી સાથે દુખદ ઘટના બની હતી. હકીકતમાં ઝિપલાઈનિંગ દરમિયાન કેબલ તૂટી પડતાં મનાલી ફરવા ગયેલા પરિવારની પુત્રી ૩૦ ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ હતી. જેથી તેના પગે ફ્રેક્ચર થયું હતું.
મળતી માહિતી અનુસાર નાગપુરના રહેવાસી પ્રફુલ્લ બિજવે તેમની પત્ની અને પુત્રી ત્રિશા સાથે મનાલી ગયા હતા. જ્યાં ઝિપલાઈન દરમિયાન કેબલ તૂટી જતાં તે ૩૦ ફૂટ ઊંડા ખાડામાં પટકાઈ હતી, જેથી તેના પગે ફ્રેક્ચર થયું હતું. પરિવારે આરોપ લગાવ્યો છે કે, ઝિપલાઈનિંગ સાઈટ પર સુરક્ષા વ્યવસ્થા પુરતા પ્રમાણમાં નહોતી અને દુર્ઘટના બાદ પણ કોઈ પ્રકારની સુવિધા નહોતી મળી. ઘટના બાદ ત્રિશાને પ્રાથમિક સારવાર માટે પહેલા મનાલીમાં લઈ જવામાં આવી હતી અને એ પછી ચંડીગઢમાં સારવાર આપવામાં આવી હતી.
દોરડાનુ હુક તૂટતાં નીચે પડી ગઇ
જોકે, તે પછી પુત્રી ત્રિશાને નાગપુરની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ત્રિશા ઝિપલાઈનિંગ કરતી જોવા મળી રહી છે. જ્યારે અડધે રસ્તે પહોંચી ત્યારે દોરડાનું હુક તૂટી ગયું હતું અને ત્રિશા નીચે પડી ગઈ હતી.
ત્રિશાના પિતાએ જણાવ્યું કે, દિકરીની હાલત સ્થિર છે. પરિવારના એક વ્યક્તિએ માહિતી આપતાં કહ્યું કે, ત્રિશાને ઘણી જગ્યાએ ફ્રેક્ચર થયું છે. હાલમાં તેની સર્જરી ચાલી રહી છે. તે તેના પરિવાર સાથે નાગપુરમાં વેકેશન ગાળવા માટે આવી હતી.