ત્રિપુટી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ઠગ વ્યક્તિએ એક દંપતિ સાથે મળી તેમના પાડોશી પરિવાર અને તેમના પરિચિતોને ઇન્સ્યોરન્સ પોલિસીમાં રોકાણ કરાવી ૧૩ દિવસમાં ૧૦ ટકા જેટલું કમિશન આપવાનું કહી ટુકડે ટુકડે ૫.૮૧ કરોડ પડાવી લીધા હતા. જેમાં રોકાણ કર્યા બાદ ૪.૬૦ કરોડ રૂપિયા પરત આપ્યા હતા. ઘણા રોકાણકારોના પૈસા અને કમિશન આપ્યું ન હતું. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાએ ઠગ અને તેમના દીકરી અને જમાઈ વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ નોંધી છે.
વસ્ત્રાલમાં રહેતા આશાબેન ત્રિવેદીએ ક્રાઈમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ સ્થાનિક વિસ્તારમાં માતંગી ગાર્મેન્ટસના નામે ધંધો કરે છે. તેમની સોસાયટીમાં જ નંદકિશરો સોની રહે છે. નંદકિશોર સોનીએ ઓગસ્ટ ૨૦૨૩માં આશાબેનને ઘરે બોલાવીને જણાવ્યું હતું કે તેમની દીકરી અને જમાઈ ઇન્સ્યોરન્સ પોલિસી ઉતારવાનું કામ કરે છે. જેમાં વધારે કમિશન મળે છે તેથી તમે આ ઇન્સ્યોરન્સ પોલિસીમાં રોકાણ કરશો તો તમને પણ તેમના કમિશનમાંથી કમિશન આપવામાં આવશે. તેમને વિવિધ કંપનીઓની ઇન્સ્યોરન્સ પોલિસી અંગે વાતચીત કરી હતી.
મોટાભાગે વાહનોની પોલિસી અંગે જણાવ્યું હતું. ત્યારબાદ જણાવ્યું હતું કે જેટલું કમિશન તેમના દીકરી ખુશ્બૂ અને જમાઈ કિંજલને મળે છે તેમાંથી ૧૯ ટકા કમિશન તે આશાબેનને આપશે અને આશાબેનના સંબંધીઓ પણ આમાં રોકાણ કરશે તો તેમને પણ કમિશન આપવામાં આવશે.
આશાબેનને ૧૩ દિવસમાં ૧૦ ટકા જેટલું કમિશન આપવામાં આવશે તેવી મૌખિક ખાતરી આપી હતી. આશાબેને નંદકિશોર સોની, ખુશ્બૂ સોની અને કિંજલ સોનીના ખાતામાં ટુકડે ટુકડે ૩.૪૭ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. ઉપરાંત તેમના ભાણી, બહેન, મિત્ર એમ અલગ અલગ લોકો પાસેથી પણ કેટલીક રકમ લઈને આ ત્રણેયને આપી હતી. આશાબેને તેમના પરિચિત વિક્રમ મસરના માધ્યમથી પણ ૧.૩૬ કરોડ આપ્યા હતા. બદલામાં ખુશ્બૂ સોનીએ તેમને બેંક મારફતે ટુકડે ટુકડે ૪.૬૦ કરોડ જેટલું કમિશન આપ્યું હતું. પરંતુ અન્ય લોકોએ રોકાણ કર્યું હતું તેનું કોઈ કમિશન આપ્યું નહોતું. આ ઠગ ત્રિપુટીએ ૫.૮૧ કરોડ પરત કર્યા નહોતા. આ અંગે આશાબેને નંદકિશોર સોની, ખુશ્બૂ સોની અને કિંજલ સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.