જાણો રાષ્ટ્રીય શોકની જાહેરાત કોણ અને કેમ કરે છે ?
(સંપૂર્ણ સમાચાર સેવા)
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર આખા દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ત્યારે દેશના મહાન સપૂતના નિધન બાદ દેશમાં ૭ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમ્યાન તિરંગો અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, દેશમાં રાજકીય શોકની જાહેરાત પહેલા ફક્ત કેન્દ્ર સરકાર કરતી હતી. પણ નિયમોમાં ફેરફાર થયા બાદ રાજ્ય સરકાર પણ રાજકીય શોકની ઘોષણા કરે છે. જોકે આ પહેલા ઘોષણા ફક્ત કેન્દ્ર સરકારની સલાહ પર રાષ્ટ્રપતિ જ કરી શકતા હતા. દેશના તમામ રાજ્યો હવે ખુદ નક્કી કરી શકે છે કે, કોને રાજકીય સન્માન આપવું. એટલું જ નહીં ઘણી વાર રાજ્ય અને કેન્દ્ર સરકાર અલગ અલગ રાજકીય શોક જાહેર કરે છે.
જ્યારે દેશમાં કોઈ મોટા નેતા, કલાકાર અથવા કોઈ એવી હસ્તીનું નિધન થઈ જાય છે, જેણે દેશના સન્માન માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું છે. તેવી સ્થિતિમાં રાજકીય અથવા રાષ્ટ્રીય શોકની ઘોષણા થાય છે. કેન્દ્ર સરકારના ૧૯૯૭ના નોટિફિકેશનમાં કહેવાયું છે કે રાજકીય શબયાત્રા દરમ્યાન કોઈ સાર્વજનિક રજા જરૂરી નથી. નિયમો અનુસાર, ફરજિયાત સાર્વજનિક રજાને ખતમ કરી દેવામાં આવી છે. હવે ફક્ત પદ પર રહેતા રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાનના નિધન પર જ રજા રહે છે. પણ સરકાર ઈચ્છે તો રજાની જાહેરાત પણ કરી શકે છે.
તો વળી રાજકીય શોક દરમ્યાન ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા નિયમ અનુસાર, વિધાનસભા, સચિવાલય સહિત મહત્વના કાર્યાલયોમાં લાગેલા રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝૂકેલો રહે છે. આ ઉપરાંત રાજ્યમાં કોઈ ઔપચારિક અને સરકારી કાર્યક્રમો આયોજિત થતા નથી. આ સમય દરમિયાન સમારંભ અને સત્તાવાર મનોરંજન પર પણ પ્રતિબંધ રહે છે. રાષ્ટ્રીય શોક, રાજકીય શોકનું મહત્વપૂર્ણ પાસુ રાજકીય સન્માનથી અંત્યેષ્ટિ પણ છે. રાજકીય શોક જાહેર થયા બાદ સચિવાલય, મંત્રાલય સહિત કોઈ પણ રાજકીય ભવનમાં આયોજિત તમામ મનોરંજન સાંસ્કૃતિક કાર્યક્રમોને રદ કરી દેવામાં આવે છે. આ દરમ્યાન ફક્ત ખાસ કામકાજી કામ થાય છે. બહારના કોઈ કામ થતા નથી.