Last Updated on by Sampurna Samachar
ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયા પૂરજાજોશમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
છેલ્લા કેટલાક દિવસથી દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના અલગ અલગ ૭ ટાપુઓ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે.
જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ૩૬ ગેરકાયદે સ્ટ્રકચરલ દબાણ હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની સૂચના મુજબ વહીવટી તંત્રને સાથે રાખી પોલીસ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવી છે.
અઠવાડિયાથી ચાલી રહેલી મેગા ડિમોલિશન ઝુંબેશમાં વહીવટી તંત્ર અને પોલીસ ખાતાના સંકલનમાં સંવેદનશીલ ગણાતા બંન્ને જિલ્લાના દરિયાકાંઠા વિસ્તાર અને મધદરિયે આવેલા ટાપુઓ ઉપર ૨૭૧ રહેણાંક અને ૭ કોમશયલ તેમજ ૭ અન્ય મળી કુલ ૨૮૫ દબાણો દૂર કરીને ૪૭.૩૫ કરોડ કિંમતની કુલ ૮૬૩૯૧ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો દેશની સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ મહત્વ ધરાવે છે. અહિયાંથી દરિયાઈ માર્ગે દુશમન દેશ નજીક હોવાથી સરકાર દ્વારા દેશવિરોધી પ્રવૃતિઓ અટકાવવા માટે ખાસ ડિમોલિશનઝુંબેશ છેલ્લા બે વર્ષથી ચલાવવામાં આવી રહી છે અને ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૫ બંદરો, ૫૫ લેન્ડીંગ પોઈન્ટ, ૩૪ ટાપુઓ, ૧૫ ફિશિંગ પોઈન્ટ અને ૧૧ જેટી વિસ્તારમાં અગાઉથી સર્વે કરીને દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી અને તેઓ કોઈ આધાર-પુરાવા નહીં આપી શકતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનહાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં જામનગર જિલ્લામાં ૩ બંદરો, ૧૧ ટાપુઓ, ૧૧ લેન્ડિંગ પોઇન્ટ, ૩ જેટી અને ૬ ફિશિંગ પોઇન્ટનો સમાવેશ થાય છે. એ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨ પોર્ટ, ૨૩ આઇલેન્ડ, ૪૪ લેન્ડિંગ પોઇન્ટ, ૮ જેટી અને ૯ ફિશિંગ પોઇન્ટનો સમાવેશ થાય છે. જ્યાં પોલીસે વહીવટી તંત્રને સાથે રાખીને ૨૭૧ રહેણાંક અને ૭ કોમશયલ તેમજ ૭ અન્ય મળી કુલ ૨૮૫ દબાણો દૂર કરી ૪૭.૩૫ કરોડ કિંમતની કુલ ૮૬૩૯૧ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. કોઈ જગ્યાએ દબાણ થતું હોય અથવા થયેલું હોય તો એ અંગે પોલીસને માહિતી આપવા પણ લોકોને રાજકોટ રેન્જ આઈજી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.