Last Updated on by Sampurna Samachar
અનેક જગ્યાએ રસ્તા પર ભુવા પડવાથી અકસ્માતનુ જોખમ વધ્યુ
PWD મંત્રીએ ખરાબ રસ્તાઓની કામગીરીનુ નિરીક્ષણ કર્યુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી (DILHI) ના દ્વારકામાં સેક્ટર-૧૨માં કેએમ ચોક પાસે રાત્રે અચાનક રસ્તા પર ભૂવો પડવાથી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં એક કાર ભૂવામાં પડી ગઈ હતી. સદનસીબે કાર સવારને વધુ ઈજા થઈ નહતી. પરંતુ, આ ઘટનાને લઈને દિલ્હીના ખરાબ રસ્તા ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ રસ્તો પહેલાંથી જ કમજોર હતો અને વારંવાર ફરિયાદ કર્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન નહોતું અપાતું. વરસાદના કારણે રોડ પહેલાંથી વધુ કમજોર થઈ ગયો હતો, જેનાથી આ અકસ્માત સર્જાયો હતો. લોકોએ આ અકસ્માતનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
ભૂવા પડવા, પાણી ભરાઈ જેવી સ્થિતિ સામાન્ય
દિલ્હીના રસ્તાની હાલત લાંબા સમયથી ચિંતાનો વિષય છે. ગમે ત્યારે ભૂવા પડવા, પાણી ભરાઈ જવા જેવી સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. દ્વારકા, રોહિણી, લક્ષ્મી નગર, કારોલ બાગ સહિત અનેક વિસ્તારમાં રસ્તાની ખરાબ સ્થિતિના કારણે અવાર-નવાર આવી દુર્ઘટના બનતી રહે છે.
થોડા સમય પહેલાં પણ PWD મંત્રી પરવેશ વર્માએ અધિકારીઓ સાથે અનેક મહત્ત્વપૂર્ણ વિકાસ પરિયોજનાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રસ્તા બનાવવા અને રિપેરિંગના કામની પ્રગતિની સમીક્ષા કરી અધિકારીઓને કામમાં તેજી લાવવા માટે નિર્દેશ કર્યો હતો. મંત્રીએ એવા વિસ્તારને પ્રાથમિકતા આપવાનું કહ્યું છે, જ્યાં સૌથી વધારે ખાડા અને રસ્તા ખરાબ છે.
વરસાદના કારણે દિલ્હીના રસ્તાની સ્થિતિ પહેલાંથી પણ વધારે ખરાબ થઈ ગઈ છે. પાણી ભરાવા અને કમજોર નિર્માણના કારણે અનેક જગ્યાએ રસ્તા પર ભુવા પડી ગયાં છે, જેનાથી અકસ્માતનું જોખમ વધી જાય છે. દ્વારકા સેક્ટર-૧૨ની ઘટના પણ આ જ સમસ્યાનું પરિણામ માનવામાં આવી રહ્યું છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, જ્યાં સુધી PWD અને અન્ય સંબંધિત વિભાગ રસ્તાના નિર્માણમાં અને ગુણવત્તા પર ધ્યાન નહીં આપે, ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ બનતી રહેશે. દિલ્હી સરકારે હાલમાં જ અનેક માર્ગ સુધારા પરિયોજનાની જાહેરાત કરી છે. પરંતુ, તેની કામગીરી ધીમી હોવાના કારણે લોકો પરેશાન છે.