Last Updated on by Sampurna Samachar
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કરી જાહેરાત
વડાપ્રધાન મોદીએ કરેલા તમામ વચનો પણ પૂરા કરીશું
(સંપૂર્ણ સમાચાર સેવા)
રેખા ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધા છે. પરંતુ શપથ ગ્રહણ પહેલા જ તેમણે કહ્યું હતું કે, હું ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ભૂતપૂર્વ સત્તાવાર નિવાસસ્થાન, જેને ભાજપ સરકાર શીશમહેલ કહે છે તેને મ્યુઝિયમ બનાવવામાં આવશે. તેમજ રેખા ગુપ્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેઆ તમામ વચનો પૂરા કરવાની ખાતરી પણ આપી હતી.
મીડિયા સાથે વાત કરતા રેખા ગુપ્તાએ કહ્યું કે , અમે શીશમહેલને મ્યુઝિયમ બનાવીશું. તેમજ અમે વડાપ્રધાન મોદીએ કરેલા તમામ વચનો પણ પૂરા કરીશું. મને આ પદ માટે પસંદ કરવા બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું.
શીશમહેલમાં રહેવા બાબતે રેખા ગુપ્તાએ કહ્યું કે, ના, બિલકુલ નહીં. એ લોકોના મહેનતના પૈસાનો મહેલ છે. હું તેને જનતાને સમર્પિત કરીશ. લોકો ત્યાં જશે અને તે જોશે અને તેમને દરેક ક્ષણે ખ્યાલ આવશે કે તેમના નાણા ક્યાં ખર્ચ કરવામાં આવ્યા હતા. દિલ્હીના ૬ ફ્લેગસ્ટાફ રોડ સ્થિત બંગલાના રિનોવેશનને લઈને બીજેપી અરવિંદ કેજરીવાલ પર સતત પ્રહારો કરી રહી છે. ૪૦,૦૦૦ ચોરસ યાર્ડમાં ફેલાયેલો આ બંગલો વર્ષ ૨૦૧૫થી ઑક્ટોબર ૨૦૨૪ સુધી કેજરીવાલનું સત્તાવાર નિવાસસ્થાન હતું.
ઑક્ટોબર ૨૦૨૪માં જાહેર કરાયેલ સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (CPWD)ના રિપોર્ટમાં બંગલામાં લક્ઝુરિયસ ડેકોરેશન અને મોંઘા સાધનોના ઉપયોગ વિશે વાત કરવામાં આવી હતી. આના પગલે, કેન્દ્રએ તાજેતરમાં શીશ મહેલના નવીનીકરણમાં કથિત અનિયમિતતાઓની તપાસનો આદેશ આપ્યો હતો અને CPWD ને બંગલાના બાંધકામમાં બિલ્ડિંગના નિયમોના ઉલ્લંઘનના આરોપોની વિગતવાર તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો.