જો સરકારે જમીન ખુલ્લી કરાવી ન હોત તો અસામાજિકત તત્વોના હાથમાં આવી જાત નિયંત્રણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દરેક સ્થળેથી સરકારી જમીનને દબાણને મુક્ત કરાવવાની ચળવળ ચાલી રહી છે. ગુજરાતમાં કોઈ પણ સરકારે નહીં કરી હોય તેટલી જમીન તેમણે એટલે કે ભુપેન્દ્રભાઈએ દબાણથી મુક્ત કરાવી છે.
સરકારની આ જ કાર્યવાહીના ભાગરૂપે ધોરાજીના છત્રાસા ગામમાં મેગા ડિમોલિશન ચાલે છે. ગોચર જમીન પર કરાયેલા દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ગોચરની સરવે નંબર ૫૦૪ જમીન પર કરવામાં આવેલું દબાણ દૂર કરવામાં આવ્યું છે. કુલ ૧,૧૮,૪૦૦ ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર દબાણ હતું તેને દૂર કરવામાં આવ્યું છે. આમ કુલ રૂ. ૩.૭૦ કરોડની ગોચરની જમીનને ખુલ્લી કરવામાં આવી છે.
રાજ્યમાં તંત્રની આવી ઘણી બધી જમીન માથાભારે તત્વો અને અસામાજિક તત્વો દ્વારા પચાવી પાડવામાં આવી છે, સરકારે આ રીતે પચાવી પાડવામાં આવેલી જમીન ખુલ્લી કરાવવાના પ્રયત્નો આદર્યા છે. ભુપેન્દ્ર પટેલ સરકારે આ પ્રકારના તત્વો પાસેથી અત્યાર સુધીમાં કુલ હજાર કરોડ રૂપિયાથી પણ વધારે જમીન ખુલ્લી કરાવવામાં સફળતા મેળવી છે.
આ જમીન જો સરકારે ખુલ્લી કરાવી ન હોત તો અસામાજિકત તત્વોના હાથમાં તેનું નિયંત્રણ જતું રહ્યું હોત. આ તત્વો પછી ભૂમાફિયા બની ગયા હોત. આ મહામૂલી સરકારી જમીનમાં ઘણી બધી જમીન ગોચરની પણ છે. તેને મુક્ત કરાવવામાં સફળતા મળતાં આગામી સમયમાં ગોચર જમીન પર પશુઓને રાહત પૂરી પાડી શકાશે. આ રીતે પશુઓ માટેની કેટલીય ગોચરની જમીન ખુલ્લી કરાઈ છે અને હાલમાં તેને કરવાની કાર્યવાહી ચાલી રહી છે.