Last Updated on by Sampurna Samachar
વર્ષ ૨૦૨૧ માં બની હતી ઘટના
મિલકતના વિવાદને લઈને કથિત રીતે હુમલો થયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી હાઈકોર્ટે જુનિયર રેસલર સાગર ધનખર હત્યા કેસમાં રેસલર સુશીલ કુમારના જામીન મંજૂર કર્યા છે. મે ૨૦૨૧ માં હત્યાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને અગાઉ જુલાઈ ૨૦૨૩માં ઘૂંટણની સર્જરી કરાવવા માટે ૭ દિવસની વચગાળાની જામીન આપવામાં આવી હતી.
સાગર હત્યા કેસમાં દિલ્હી (DILHI) પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ, ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમાર અને તેના સહયોગીઓએ છત્રસાલ સ્ટેડિયમનો દરવાજો અંદરથી બંધ કરીને ભૂતપૂર્વ જુનિયર રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયન સાગર ધનખર અને અન્યને લાકડીઓ, હોકી સ્ટિક અને બેઝબોલ બેટથી ૩૦ થી ૪૦ મિનિટ સુધી માર માર્યો હતો. ધનખર અને તેના ચાર મિત્રો પર ૪ અને ૫ મે (૨૦૨૧) ની વચ્ચેની રાત્રે સ્ટેડિયમમાં કુમાર અને અન્ય લોકો દ્વારા મિલકતના વિવાદને લઈને કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં સાગરનું ઈજાઓથી અવસાન થયું હતું.
અડધો કલાક સુધી માર માર્યો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સાગર અને તેના મિત્રોનું દિલ્હીમાં બે અલગ-અલગ જગ્યાએથી અપહરણ કરવામાં આવ્યું હતું અને સ્ટેડિયમમાં લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ ગેટ અંદરથી બંધ કરી દેવામાં આવ્યો હતો અને સુરક્ષાકમીઓને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું હતું. “સ્ટેડિયમમાં, તમામ પીડિતોને તમામ આરોપીઓએ ઘેરી લીધા હતા અને ર્નિદયતાથી માર્યા હતા,” પોલીસે તેમના ૧,૦૦૦ પાનાના અંતિમ અહેવાલમાં જણાવ્યું હતું. તમામ પીડિતોને લગભગ ૩૦ થી ૪૦ મિનિટ સુધી લાકડીઓ, દંડા, હોકી સ્ટિક, બેઝબોલ બેટ વગેરેથી માર મારવામાં આવ્યો હતો.
આ કેસની તપાસમાં ખુલાસો થયો હતો કે કેવી રીતે કુસ્તીબાજોના બંને કેમ્પના લોકો વિવાદિત જમીનની ખરીદી, કબજો અને ખંડણીના રેકેટમાં સામેલ હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કુસ્તીબાજોના બંને કેમ્પના લોકો ગેંગસ્ટર કલા જાથેડી અને નીરજ બાવાનિયા સાથે સંકળાયેલા હતા.