Last Updated on by Sampurna Samachar
છેલ્લા બે વર્ષમાં મહેસાણા જિલ્લામાં 30 હજારથી વધુના ઓપરેશન થયા
સૌથી ઓછા જોટાણા તાલુકામાં નસબંધીના ઓપરેશન નોંધાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખોટી રીતે પુરૂષ નસબંધીના વિવાદમાં ઘેરાયેલા મહેસાણા જિલ્લામાં છેલ્લા બે વર્ષના સમયગાળામાં આરોગ્ય વિભાગ દ્વારા પુરૂષ અને સ્ત્રી મળીને કુલ ૩૦, ૫૪૨ નસબંધીના ઓપરેશન કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લાના ૧૦ તાલુકા પૈકી સૌથી વધુ મહેસાણા તાલુકામાં ૩૩૦૦ અને સૌથી ઓછા જોટાણા તાલુકામાં ૫૫૧ નસબંધીના ઓપરેશન નોંધાયા છે. બે વર્ષના ગાળામાં સમગ્ર જિલ્લામાં માત્ર બાવન પુરૂષોના નસબંધી ઓપરેશન કરવામાં સફળતા મળી છે.
ગુજરાત વિધાનસભામાં પાટણના કોંગી ધારાસભ્ય કીરીટ પટેલ દ્વારા પુછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં મહેસાણા જિલ્લામાં વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ના બે વર્ષના સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા નસબંધી ઓપરેશનની કરવામાં આવેલી કામગીરીના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગના આંકડા
ઉલ્લેખ પ્રમાણે, વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ના સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના ૧૦ તાલુકાઓમાં કુલ ૩૦, ૫૪૨ નસબંધીના ઓપરેસન કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં પુરૂષ નસબંધીના માત્ર બાવન કેસ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
તાલુકાવાર નોંધાયેલા નસબંધીના ઓપરેશનના આંકડાઓ ઉપર દ્રષ્ટિપાત કરીએ તો, પાછલા બે વર્ષના સમયગાળામાં બેચરાજી તાલુકામાં ૧૭૭૬, જોટાણા તાલુકામાં ૧૧૮૫, કડી તાલુકામાં ૫૨૬૩, ખેરાલુ તાલુકામાં ૧૬૯૬, મહેસાણા તાલુકામાં ૭૩૯૭, સતલાસણા તાલુકામાં ૧૬૦૪, ઊંઝા તાલુકામાં ૧૬૫૪, વડનગર તાલુકામાં ૨૩૮૦, વિજાપુર તાલુકામાં ૩૭૪૪ અને વિસનગર તાલુકામાં ૩૮૪૧ મળી કુલ ૩૦૫૪૨ કેસોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખપાત્ર છે કે, મહેસાણા જિલ્લામાં વર્ષ ૨૦૨૩માં ૪ પુરૂષ અને ૧૬૯૫૩ સ્ત્રી સહિત કુલ ૧૬૯૫૭ નસબંધી ઓપરેશન કરાયા હતા. તેની સામે વર્ષ ૨૦૨૪ના એક વર્ષ દરમિયાન ૩૩૭૨ કેસો ઓછા થઈને ૧૩૫૮૫ નસબંધીના કેસો નોંધાયા હતા.
કડી તાલુકાના બોરીસણા ગામમાં ત્રણેક માસ અગાઉ અમદાવાદની વિવાદાસ્પદ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડીકલ કેમ્પ કર્યા બાદ ૧૯ દર્દીઓને વધુ સારવાર માટે લઈ જવાયા હતા.જેમાંથી ૭ લોકોના એન્જીયોપ્લાસ્ટી ઓપરેશન જરૂર ન હોવા છતાં કરી દેવાતાં તબીયત લથડી હતી અને અત્યારસુધીમાં એક જ ગામના ૩ વ્યકિતઓએ પોતાની જાન ગુમાવતાં વિવાદ સર્જાયો હતો.