Last Updated on by Sampurna Samachar
પ્રયાગરાજ મહાકુંભને સફળ બનાવ્યો
પોલીસકર્મીઓ માટે એક સપ્તાહની રજા-બોનસની જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભ મેળાનું ભવ્ય આયોજન સફળ રહ્યું છે. ૪૫ દિવસના આ મહાકુંભમાં ૬૬ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે. તેને સફળ બનાવવામાં ઉત્તર પ્રદેશ પોલીસનો સૌથી મોટો ફાળો રહ્યો છે. આ કારણે યોગી સરકારે લગભગ બે મહિનાથી સતત દિવસ-રાત કામ કરી રહેલા પોલીસકર્મીઓને મોટી ભેટ આપી છે. લગભગ ૫૦ હજાર પોલીસકર્મીઓને એક સપ્તાહની રજા આપવામાં આવશે. આ ઉપરાંત બોનસની પણ જાહેરાત કરવામાં આવી છે.
UP DGP પ્રશાંત કુમારે જણાવ્યું કે મહાકુંભ મેળામાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને એક સપ્તાહની રજા આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. લગભગ ૪૦ થી ૫૦ હજાર પોલીસકર્મીઓ છે, જેમને અલગ-અલગ સમયે રજા આપવામાં આવશે. આ સાથે રાજ્યના પોલીસકર્મીઓને ૧૦,૦૦૦ રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે. જેમાં નોન-ગેઝેટેડ પોલીસકર્મીઓનો સમાવેશ થશે. ડીજીપી પ્રશાંત કુમારે કહ્યું કે તેમને મહાકુંભ સેવા મેડલથી સન્માનિત કરવાનો ર્નિણય પણ લેવામાં આવ્યો છે.
UP પોલીસની ક્ષમતા વધતી દેખાઇ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે મેં ઉત્તર પ્રદેશ પોલીસ દળની ક્ષમતાને આગળ વધતી જોઈ છે. મને યાદ છે, એક સમયે ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગનું બજેટ ખૂબ જ સરળ હતું અને હાલમાં એકલા પોલીસ દળનું બજેટ ૪૦ હજાર કરોડ રૂપિયા છે. આ એ જ રાજ્ય હતું જ્યાં દર બીજા દિવસે રમખાણો થતા હતા. આ સમગ્ર મહાકુંભ દરમિયાન યુપી પોલીસ વિભાગ સહિત તમામ વિભાગોએ ઉત્તમ કામગીરી કરી છે.
તમને જણાવી દઈએ કે યુપી પોલીસની આ અજોડ મહેનતને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી જાહેરાત કરી છે. તમામ પોલીસકર્મીઓને અલગ-અલગ સમયે આ રજા આપવાનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેમજ તેમના માટે ૧૦,૦૦૦ રૂપિયાના વિશેષ બોનસની જાહેરાત કરવામાં આવી હતી.
રાજ્ય સરકારના મંત્રી સ્વતંત્ર દેવ સિંહે પોલીસકર્મીઓના વખાણ કરતાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ કર્મચારી કે અધિકારી સખત મહેનતની પરાકાષ્ઠા કરે છે ત્યારે તે દિવ્ય અને ભવ્ય કુંભને સફળ બનાવે છે.
પોલીસ પ્રશાસનની અથાગ મહેનત અને તેમના યોગદાનને કારણે દિવ્ય અને ભવ્ય કુંભે દેશ અને દુનિયામાં રાજ્યને ગૌરવ અપાવ્યું છે. આજે અમારા પોલીસકર્મીઓને સારું લાગે છે કે અમારા વડા તેમની સાથે બેઠા છે અને ભોજન કરી રહ્યા છે. વહીવટીતંત્ર સાથે જમવાનો આ પહેલો બનાવ હશે.