Last Updated on by Sampurna Samachar
CM રેખા ગુપ્તાના શપથ સમારોહમાં હાજર રહી ન શક્યા CM પટેલ
બંને નેતાઓ વચ્ચે જનતાના વિકાસને લઈને ચર્ચા થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે સીએમ પદ માટે રેખા ગુપ્તાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમયે તેમની સાથે ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મળેલ પ્રચંડ વિજયને લઈને રેખા ગુપ્તાને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ દિલ્હી વિકાસના નવા શિખરો પર પહોંચે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ મુલાકાતમાં બંને નેતાઓ વચ્ચે જનતાના વિકાસને લઈને ચર્ચા થઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની શપથવિધિમાં હાજર નહોતા રહી શક્યા. જોકે ગુજરાતનું બજેટ રજૂ થયા બાદ તેઓ દિલ્હી પહોંચ્યા અને તેમની સાથે મુલાકાત કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી.
રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી
જ્યારે ભાજપે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા. દિલ્હીની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ વર્માએ જ રેખા ગુપ્તાને દિલ્હીના નવા મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો અને ભાજપના દરેક ધારાસભ્ય દ્વારા આ પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી પછી રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી છે.
ઉલ્લેખનીય છે કે ગત ૨૯ ફેબ્રુઆરીના રોજ રેખા ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમના શપથ સમારોહમાં વડાપ્રધાન મોદી સહિત એનડીએ શાસિક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી હતી. સાથે જ તેમના શપથ સમારોહમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.