Last Updated on by Sampurna Samachar
મ્યાનમાર ગૃહયુદ્ધની અસર દેખાવા લાગી
ભારતે કડક દેખરેખ રાખવાની જરૂર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના પડોશી દેશ મ્યાનમારમાં લાંબા સમયથી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ અરાકાન આર્મી અને અન્ય બળવાખોર જૂથ વચ્ચે છે. જ્યારે બીજી તરફ જુન્ટા શાસનની સેના છે. ત્યારે મ્યાનમારમાં ચાલી રહેલા ગૃહયુદ્ધની અસર ભારત (BHARAT) , બાંગ્લાદેશ અને ચીન સહિત અન્ય પડોશી દેશો પર પણ પડી રહી છે.
અહેવાલો અનુસાર, મ્યાનમારની પરિસ્થિતિનો ઉપયોગ ચીન પોતાના ફાયદા માટે અને ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. આનાથી ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોની સુરક્ષા માટે ખતરો ઊભો થઈ શકે છે. જેના સંદભમાં ગુપ્તચર એજન્સીઓએ ભારતને મ્યાનમારમાં ચીનના વધતા પ્રભાવ અંગે ચેતવણી આપી છે.
મણિપુર ચીનના નિશાના પર
ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે મ્યાનમારમાં ચીનનો વધતો પ્રભાવ ભારત માટે મોટો ખતરો બની રહ્યો છે. ભારતનું ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુર ચીનના નિશાના પર છે કારણ કે તે એક સંવેદનશીલ રાજ્ય છે જ્યાં લાંબા સમયથી અશાંતિ પ્રવર્તી રહી છે. ચીનની આક્રમક ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને ભારત અને મ્યાનમાર વચ્ચેની ૧૬૩૯ કિલોમીટર લાંબી સરહદ પર ભારતે કડક દેખરેખ રાખવાની જરૂર છે.
ચીને મ્યાનમારની સરહદે આવેલા યુનાન પ્રાંતમાં એક અત્યાધુનિક રડાર સિસ્ટમ લાર્જ ફેઝ્ડ એરે રડાર સ્થાપિત કરી છે. આનાથી ચીન સમગ્ર વિસ્તાર પર નજર રાખી શકે છે. આ ઉપરાંત ચીન મ્યાનમારની જુન્ટા સેના સાથે પણ સંકળાયેલું છે, બીજી તરફ તે અરાકાન આર્મી જેવા સશસ્ત્ર જૂથોને પણ શસ્ત્રો પૂરા પાડે છે. મતલબ કે ચીન બેવડી નીતિ અપનાવી રહ્યું છે.