Last Updated on by Sampurna Samachar
અસામાજીક તત્વોની હકકત બાદ લોકોમાં રોષ
પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના જલગાંવ સ્થિત મુક્તાઈનગરના કોથલી ગામમાં સંત મુક્તાઈ યાત્રા દરમિયાન અમુક અસમાજિક તત્વોએ કેન્દ્રીય મંત્રીની પુત્રી સહિત અન્ય વિદ્યાર્થિનીઓની છેડતી કરી હતી. કેન્દ્રીય મંત્રીની પુત્રીની પણ છેડતી થતાં વિસ્તારમાં ખળભળાટ મચ્યો હતો.
કેન્દ્રીય મંત્રીની પુત્રી સહિત અન્ય વિદ્યાર્થિનીઓની છેડતી થતાં મંત્રીના સુરક્ષા ગાર્ડે ફરિયાદ નોંધાવી હતી. જેની ફરિયાદના આધારે મુક્તાઈ નગર પોલીસ સ્ટેશનમાં ચાર યુવકો વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. મંત્રીએ પોલીસને આ યુવકોની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવા આદેશ આપ્યો છે. તે સમયે તેમની પુત્રી સાથે જે સુરક્ષાકર્મી હતો, યુવકોએ તેનું કોલર પકડીને તેને પણ ધમકાવ્યો હતો. આ યુવકો ગુનાખોર તત્વો હોવાનું જાણવા મળ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ મામલે દખલગીરી કરી છે.
કેન્દ્રીય મંત્રી પોલીસ સ્ટેશન પહોંચ્યા
વિદ્યાર્થિનીઓની છેડતી કરનારા વિરૂદ્ધ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી ધરપકડ કરવાની માંગ કરતાં કેન્દ્રીય મંત્રી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. પોલીસ સાથે વાતચીત કરી મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે આ મામલાની જાણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ કરી છે. તેમણે પણ તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.