Last Updated on by Sampurna Samachar
ખોટા ફોન કરી તંત્રને હેરાન કરનારા પર ૧ લાખથી લઈને ૧ કરોડ સુધીનો દંડ થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
એરલાઇન્સ અને એરપોર્ટને બોમ્બની ધમકી આપતા નકલી કોલ કરનારા બદમાશો સામે હવે કડક કાર્યવાહી થશે. આવા બદમાશોને ‘નો ફ્લાય લિસ્ટ’માં મૂકવામાં આવશે. આની સાથે સાથે આવા ખોટા ફોન કરીને તંત્રને હેરાન પરેશાન કરનારા પર ૧ લાખ રૂપિયાથી લઈને ૧ કરોડ સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે. જો કોઈ સંસ્થાને બોગસ ધમકીઓ આપવા માટે જવાબદાર ગણવામાં આવે છે, તો તેવી સંસ્થાને ૧ કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નકલી કોલની શ્રેણી બાદ આકરા દંડની જોગવાઈ કરવા એરક્રાફ્ટ (સુરક્ષા) નિયમો ૨૦૨૩માં સુધારો કર્યો છે. આ ફેરફાર કરવા પાછળનું કારણ, આ વર્ષે મોટી સંખ્યામાં એરપોર્ટ કે એરલાઈન્સને આપવામાં આવેલી બોગસ બોમ્બની ધમકીઓ છે. સમયાંતરે આવી અફવાઓ ફેલાવવાથી વિમાનમાં મુસાફરી કરનારા તેમજ એરપોર્ટ પરના તંત્રને ઘણી અસુવિધાઓનો સામનો કરવો પડે છે અને તેનાથી લોકોમાં ભય અને ગભરાટનો માહોલ પણ સર્જાય છે.
આ માટેનું નવુ નોટિફિકેશન, ગત ૯ ડિસેમ્બરે જ બહાર પાડવામાં આવ્યું હતું. એરક્રાફ્ટ નિયમોમાં સુધારો કરીને, બે નવા પગલાંની જોગવાઈ કરવામાં આવી છે અને આ નિયમો હવેથી અમલમાં આવ્યા છે. ૨૯છ એરક્રાફ્ટમાં પ્રવેશના અનામત અધિકારો પ્રદાન કરે છે. ડાયરેક્ટર જનરલ (BCAS)ના જણાવ્યા અનુસાર, જો તે સંતુષ્ટ હોય કે સુરક્ષાના હિતમાં આવું કરવું જરૂરી છે, તો તે આવી કોઈપણ વ્યક્તિને પ્રવેશ નકારી શકે છે.
આ માટે આવી સૂચનાઓ લેખિત સ્વરૂપે પણ જાહેર કરી શકાય છે. સામેલ નિયમ ૩૦છ જણાવે છે કે, ખોટી માહિતી ફેલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ ફ્લાઇટ અથવા એરપોર્ટ પર નાગરિકોની સુવિધા અને સલામતીને જોખમમાં મૂકે તેવું કંઈપણ કરી શકે નહીં.
૨૦૨૪ના વર્ષમાં એક હજારથી વધુ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ખોટી ધમકીઓ આપવામાં આવી હતી. જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ ધમકીઓ હોક્સ કોલ અને મેસેજ દ્વારા મળી છે. આ કારણે, વિમાની સેવા મોડી પડવા, મુસાફરોને શારિરીક અને માનસિક ત્રાસ સહન કરવા અને એરપોર્ટ પરના તંત્રની હેરાનગતિ વગેરેને ધ્યાને લઈને નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયે નિયમોમાં ફેરફાર કર્યા છે, જેથી આવા ખોટા સંદેશાઓના જોખમોને ઘટાડી શકાય અને તેના સંપૂર્ણપણે દૂર કરી શકાય.