આ વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ ઉભો થયો
પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોચી મામલો શાંત પાડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભોપાલના જહાંગીરાબાદમાં બે જૂથ વચ્ચે અથડાણ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં પુરાની ગલ્લા મંડીમાં યુવક સાથે મારામારીની ઘટના બન્યા બાદ બે જૂથો સામ સામે આવી જતા પથ્થરમારો થયો હતો. આ દરમિયાન બંને તરફથી ડંડાઓ અને તલવારો પણ ઉછળી છે.
મળતા અહેવાલો મુજબ આ ઘટનામાં લગભગ અડધો ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને સ્થિતિને કાબુ લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સ્ટેશનના પ્રભારી આશીષ ઉપાધ્યાયે કહ્યું કે, બે દિવસ પહેલા યુવકો વચ્ચે મારમારી થવાની ઘટના સામે આવી હતી, ત્યારબાદ આ વિવાદ ઉભો થયો છે. જેમાં એક જૂથે ઘરો પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે આ વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ ઉભો થયો છે. પથ્થરમારાની ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ અને કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. મામલો વધુ ગંભીર હોવાથી ઘટનાસ્થળને છાવણીમાં ફેરવી દેવાયું છે.
DGP ઝોન-૧ પ્રિયંકા શુક્લાએ કહ્યું કે, બે દિવસ પહેલા એક યુવકે ફુલસ્પીડે બાઈક ચલાવી હતી, જેના કારણે વિવાદ થયો હતો. આ મામલે જહાંગીરાબાદ પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી, જ્યારે બે આરોપી ફરાર હતા. ફરાર બે આરોપીને લઈને વિવાદ થયો હતો. હાલ ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત પણ હાજર હતો. જોકે લોકોની ભીડ વધતા પોલીસે તુરંત કંટ્રોલ રૂમને જાણ કરી. ત્યારે વીડિયોમાં હથિયારો સાથે જોવા મળેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.