Last Updated on by Sampurna Samachar
અરજીમાં ધરપકડની વૈધતા પર ચિંતા વ્યક્ત કરાઇ
કેસની સુનાવણી સ્થગિત કરાઇ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનને છરી મારવાના આરોપમાં ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિકે અહીંયાની કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. તેણે દાવો કર્યો છે કે તે નિર્દોષ છે અને તેના વિરુદ્ધ દાખલ થયેલી FIR એક કલ્પિત વાર્તા છે. એક્ટર ખાન (૫૪) પર આ વર્ષે ૧૬ જાન્યુઆરીએ બાંદ્રા સ્થિત તેમના ૧૨મી માળના એપાર્ટમેન્ટમાં ચાકુથી અનેક વાર કરવામાં આવ્યા હતા. બાદમાં લિલાવતી હોસ્પિટલમાં તેમની ઇમરજન્સી સર્જરી થઈ હતી, જ્યાંથી તેમને પાંચ દિવસ પછી રજા આપવામાં આવી હતી.
પોલીસે ઘટનાના બે દિવસ પછી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઉંમર ૩૦ વર્ષ હોવાનું સામે આવ્યું હતું. તે હાલમાં મહાનગરની આર્થર રોડ જેલમાં બંધ છે. વકીલ વિપુલ દુશિંગ દ્વારા દાખલ કરેલી જામીન અરજીમાં, આરોપી ઇસ્લામે દાવો કર્યો છે કે તે નિર્દોષ છે અને તેનો કોઈ પૂર્વ ગુનાહિત રેકોર્ડ નથી.
FIR ફરિયાદીની એક કલ્પિત વાર્તા સિવાય કંઈ નથી
અરજીમાં જણાવાયું છે કે આરોપી દ્વારા પુરાવાઓ સાથે ચેડાં અથવા સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કોઈ ખતરો નથી. સાથે જ અરજીમાં એવું પણ જણાવાયું છે,કે ” FIR ફરિયાદીની એક કલ્પિત વાર્તા સિવાય કંઈ નથી. તેથી, તે જામીનની વિનંતી કરે છે.”
અરજીમાં ધરપકડની વૈધતા પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૪૭ની અવહેલના અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રાવધાન અનુસાર, ધરપકડ કરાયેલા વ્યક્તિને તેની ધરપકડના કારણો અને જામીનના અધિકાર વિશે જાણ કરવું જોઈએ. પ્રોસિક્યુશનના જવાબ માટે કેસની સુનાવણી ૨૧ જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી છે.