આ પ્રતિબંધો દૂર થતાં ભારત અને અમેરિકાની કંપનીઓ સાથે મળી કામ કરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવા અમેરિકાએ બંને દેશો વચ્ચે પરમાણુ ડીલ મુદ્દે લાગુ પ્રતિબંધો દૂર કરવાનો ર્નિણય લીધો છે. અમેરિકા ભારતીય પરમાણુ કંપનીઓ અને અમેરિકન કંપનીઓ વચ્ચે જોડાણ સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રતિબંધો દૂર કરશે. બીજી તરફ ગત મહિને અમેરિકાએ પાકિસ્તાનની અનેક પરમાણુ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા હતાં. જે પાકિસ્તાન માટે આઘાતજનક ર્નિણય છે.
અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાગઝર જેક સુલિવાને આ અંગે માહિતી આપી હતી. જો બાઇડેન એડમિનિસ્ટ્રેશનના ટોચના અધિકારીઓએ IIT – દિલ્હી ખાતે ભારતના સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બેઠક કરી આ મુદ્દે ચર્ચા કરી હતી. તેઓએ ભૂતકાળમાં ૨૬ વર્ષ પહેલાં મૂકાયેલા પ્રતિબંધો દૂર કરી અમેરિકા સાથે ભારતના પારદર્શક વેપાર સંબંધો સ્થાપિત કરવાનો ર્નિણય રજૂ કર્યો હતો.
મે, ૧૯૯૮ માં ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. જેનાથી નારાજ અમેરિકાએ ભારતની અનેક પરમાણુ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા હતા. જેમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરનું ડિપાર્ટમેન્ટ ઑફ એટોમિક એનર્જી, ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ, ઇન્ડિયન રેર અર્થ્સ, પરમાણુ રિએક્ટર્સ સામેલ હતી. હવે આ પ્રતિબંધો દૂર થતાં ભારત અને અમેરિકાની કંપનીઓ સાથે મળી કામ કરશે.
સુલિવાને જણાવ્યું હતું કે, ‘સેમીકંડક્ટર ટેક્નિક પર ભારત પ્રથમ એવો દેશ છે, જેની સાથે અમેરિકા કામ કરશે.’સુલિવાને જણાવ્યું હતું કે, ‘દેશના તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ વચ્ચેની બેઠકમાં ભારત અને અમેરિકા સિવિલ પરમાણુ કૉર્પોરેશન માટે મહત્ત્વાકાંક્ષી યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. બાદમાં ૨૦૦૮માં ભારત-યુએસ સિવિલ પરમાણુ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ રેગ્યુલેટરી પડકારોને કારણે યુએસ ન્યુક્લિઅર રિએક્ટર્સના સપ્લાય માટેની યોજના સાકાર થઈ શકી નહીં. તેમના આ અવાસ્તવિક વિઝનને સાકાર કરતાં આજે અમે જાહેરાત કરીએ છીએ કે, અમેરિકા હવે લાંબા સમયથી ચાલતાં પ્રતિબંધો દૂર કરી બંને દેશોની કંપનીઓ વચ્ચે સિવિલ પરમાણુ જોડાણ કરશે.’
અમેરિકાએ ગતમહિને પાકિસ્તાનની પરમાણુ કંપનીઓ પર પ્રતિબંધો મૂક્યા હતા. જેની પાછળનું કારણ જણાવ્યું હતું કે, પાકિસ્તાન એવી મિસાઈલ તૈયાર કરી રહ્યું છે કે, જે સીધી અમેરિકા સુધી ટાર્ગેટ કરવા સક્ષમ છે. જોકે, પાકિસ્તાને અમેરિકાના આ દાવાને પાયાવિહોણા ગણાવી ખોટી રીતે કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું નિવેદન આપ્યું હતું.