Last Updated on by Sampurna Samachar
સેબીના અધિકારીઓ સામે પણ ફરિયાદ દાખલ કરો
માધવી બૂચે કાર્યકાળ દરમિયાન સેબીના નિયમોનુ ઉલ્લંઘન કર્યુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈની વિશેષ ACB કોર્ટે કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનના કેસમાં SEBI ના પૂર્વ ચેરમેન માધવી પુરી બુચ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને SEBI ના ટોચના અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે ૩૦ દિવસમાં કેસ સાથે સંબંધિત સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે.
વિશેષ ACB કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, ‘દસ્તાવેજો પરની સામગ્રી અને સમીક્ષા કર્યા બાદ કોર્ટને લાગ્યું છે કે, ‘આરોપોમાં કોગ્નિઝેબલ ગુનાનો ખુલાસો થયો છે, તેથી તપાસની જરૂર છે. નિયમનકારી ભૂલો અને મિલીભગતના પ્રથમદર્શી પુરાવા છે, જેની નિષ્પક્ષ તપાસ કરવાની જરૂર છે. કાયદાના અમલીકરણ અને સેબીની નિષ્ક્રિયતાના કારણે કલમ ૧૫૩(૩) CRPC હેઠળ ન્યાયિક હસ્તક્ષેપની જરૂર છે. કોર્ટે ટિપ્પણીમાં એસીબી અપરાધિક એમ.એ.સં.૬૦૩/૨૦૨૪નો પણ ઉલ્લેખ કર્યો છે.
માધબી પુરી અને તેમના પતિ પર આરોપ
હિન્ડનબર્ગના રિપોર્ટમાં અદાણી જૂથના શેર્સમાં ગેરરીતિ થઈ હોવાના આરોપમાં SEBI ના વડા માધબી પુરી બુચ અને તેમના પતિની પણ સંડોવણી હોવાનો આરોપ મૂકાયો હતો. જોકે, માધબી પુરી બુચ સતત આ આરોપોને નકારી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપ લગાવ્યો હતો કે, માધબી બુચે સેબીમાં તેમના કાર્યકાળ દરમિયાન લિસ્ટેડ સિક્યોરિટીઝમાં ૩૬.૯ કરોડ રૂપિયાનું ટ્રેડિંગ કરીને સેબીના મહત્ત્વપૂર્ણ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ખેરાએ દાવો કર્યો હતો કે, આ ટ્રેડિંગ પ્રવૃત્તિ વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૩ ની વચ્ચે થઈ હતી, જેમાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ ૧૯.૫૪ કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા.