ભારતનું હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે અમેરિકાના ઇન્ફ્રાસ્ટક્ચર જેવું દેખાય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સરકાર નેશનલ હાઇવે પર મુસાફરોને રાહત આપવાની તૈયારીમાં છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતે આ અંગે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ‘નેશનલ હાઇવે પર મુસાફરોને રાહત આપવા માટે સરકાર એક યુનિફોર્મ ટોલ પોલિસી પર કામ કરી રહી છે. આ પોલિસીથી મુસાફરોની સમસ્યાઓનું ઉકેલ મળશે.’
ગડકરીએ માહિતી આપતાં કહ્યું કે, ‘અમે નેશનલ હાઇવે પર મુસાફરોને પડતી હાલાકીનો ઉકલે લાવવા માટે એક યુનિફોર્મ ટોલ પોલિસી પર કામ કરી રહ્યા છે. આ પોલિસીથી મુસાફરોની સમસ્યાઓનું ઉકેલ મળશે. ભારત હવે હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મજબૂત બની રહ્યું છે, ભારતનું હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે અમેરિકાના ઇન્ફ્રાસ્ટક્ચર જેવું દેખાય છે.’
નીતિન ગડકરીએ આ અંગે વધુમાં જણાવ્યું કે, ‘માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય સોશિયલ મીડિયા પર મુસાફરો દ્વારા કરાયેલી ફરિયાદોને ખૂબ જ ગંભીરતાથી લઇ રહ્યું છે. અમે મુસાફરોની ફરિયાદોનું ઉકેલ લાવવા પ્રયાસો કરી રહ્યા છે અને ફરિયાદોમાં સામેલ આરોપી ઠેકેદારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યા છે.’
આ ઉપરાંત વધુમાં તેમણે કહ્યું કે, ‘નેશનલ હાઇવે પર હાલ આશરે ૬૦ ટકા મુસાફરી અંગત કારો દ્વારા થાય છે. જોકે, આ વાહનો પાસેથી મળતી ટોલની આવક કુલ આવકની માંડ ૨૦થી ૨૬ ટકા જ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૭ કિમી પ્રતિ દિનના હાઇવે નિર્માણનો પાછલો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવશે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી આશરે ૭૦૦૦ કિમી ક્ષેત્રમાં નેશનલ હાઇવેનું નિર્માણ કરવામાં આવ્યું છે.’
નોંધનીય છે કે, નેશનલ હાઇવે પર ટોલ આવકમાં વૃદ્ધિ થઇ છે, છેલ્લા ૧૦ વર્ષોમાં વધુમાં વધુ ક્ષેત્રો ટોલિંગ સિસ્ટમ અંતર્ગત આવી ગયા છે. આ કારણસર મુસાફરોમાં અસંતોષ પણ વધી ગયું છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતમાં કુલ ટોલ કલેક્શન ૬૪,૮૦૯.૮૬ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જે ગત વર્ષની સરખામણીમાં ૩૫ ટકા વધુ છે. વર્ષ ૨૦૧૯-૨૦માં ટોલિંગ કલેક્શન ૨૭,૫૦૩ કરોડ રૂપિયા હતું. નોંધનીય છે કે, નેશનલ હાઇવે પર વસૂલવામાં આવતા તમામ ટોલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વેરો નિયમ, ૨૦૦૮ અને સંબંધિત કાયદાઓની કલમ અનુસાર સ્થાપિત કરાયા છે.