બાંગ્લાદેશને આપવામાં આવેલી લોનની ચુકવણીની મહોલત વધારી દેવાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
શેખ હસીનાના પ્રત્યાર્પણ અંગે ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશ અને ચીન વચ્ચે નિકટતા વધી રહી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી તૌહીદ હુસૈન ચીનના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમણે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ચીનની શી જિનપિંગ સરકાર દ્વારા બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારને મોટી રાહત આપતો ર્નિણય લેવામાં આવ્યો છે.
ચીન સરકારના ર્નિણય પ્રમાણે બાંગ્લાદેશને આપવામાં આવેલી લોનની ચુકવણીની મહોલત વધારી દેવામાં આવી છે. ચીનની શી જિનપિંગ સરકારે બાંગ્લાદેશને લોન ચૂકવવા માટે ૨૦ વર્ષના બદલે ૩૦ની મહોલત આપી છે. બીજી તરફ ચીનની સરકારે લોન પર વ્યાજ દર ઘટાડવા માટે પ્રયાસ કરવાનો પણ વાયદો કર્યો છે. આ સાથે જ આ બેઠકમાં બંને દેશોએ ચીનની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ યોજના માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે આ સંદર્ભમાં એક સત્તાવાર નિવેદન પણ જારી કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘તૌહીદ હુસૈને ચીનને લોન પરનો વ્યાજ દર ૨-૩ ટકાથી ઘટાડીને ૧% કરવા, કમિટમેન્ટ ફી માફ કરવા અને લોન ચુકવણીનો સમયગાળો ૨૦ વર્ષથી વધારીને ૩૦ વર્ષ કરવા વિનંતી કરી હતી.’ લોન ચૂકવવાના અમારા સારા ભૂતકાળના રેકોર્ડને ધ્યાનમાં લેતા ચીને સમયગાળો લંબાવવાની અમારી વિનંતી સ્વીકારી છે અને વ્યાજ દર ઘટાડવા માટે પ્રયાસ કરવાનો પણ વાયદો કર્યો છે.’
બાંગ્લાદેશના વિદેશ મંત્રી સાથેની મુલાકાત દરમિયાન, ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, ‘અમે બાંગ્લાદેશના આર્થિક અને સામાજિક વિકાસ માટે અમારું સમર્થન ચાલુ રાખવા માગીએ છીએ. ચીન હંમેશા બાંગ્લાદેશને તેની રાષ્ટ્રીય સ્વતંત્રતા, સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય ગરિમાને જાળવી રાખવામાં માટે પોતાનું સમર્થન આપવાનું ચાલુ રાખશે. આ સાથે જ વિકાસ માટે એક એવો માર્ગ શોધીશું જે વર્તમાન પરિસ્થિતિ અનુસાર બાંગ્લાદેશના હિતમાં હશે.’
ચીનના વિદેશ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ‘ચીનની સરકાર પરંપરાગત મિત્રતા જાળવી રાખવા, વ્યૂહાત્મક સંવાદને મજબૂત કરવા, વ્યવહારુ સહયોગને વધુ ગાઢ બનાવવા અને બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ (મ્ઇૈં) યોજના સહિત અનેક વિકાસ પ્રોજેક્ટ્સને સંયુક્ત રીતે પૂરા કરવા માટે બાંગ્લાદેશ સાથે મળીને કામ કરવા માગે છે.’