Last Updated on by Sampurna Samachar
સમગ્ર વીરપુર ગામના તમામ વેપારીઓએ રોજગાર બંધ રાખી આપી શ્રધ્ધાંજલિ
બાપાની ૧૪૪મી પુણ્યતિથિ ઉજવાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી જલારામ બાપાની જગ્યા આવેલ છે. દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે. જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રત અન્નક્ષેત્ર ૨૦૫ વર્ષથી આજે પણ અવિત પણે ચાલુ છે.
સંત જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સવંત ૧૯૩૭ મહા વદ દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા, ત્યારથી ગુજરાતી માસ મુજબ મહા વદને દશમીના દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિન તરીકે ઉજવાય છે. ત્યારે બાપાની ૧૪૪મી પુણ્યતિથિ છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની પુણ્યતિથિના દિવસે સમગ્ર વીરપુર ગામના તમામ નાના મોટા વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાળીને જલારામ બાપાને,શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
તેની સાથે વીરપુર આવતા ભાવિકો, યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તેમજ જલાબાપાના દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રહ્યા હતા. વેપારી એસોસિએશનએ ચાલુ વર્ષે મહાવદ દશમના દિવસે જલારામ બાપાના મંદિરના જણાવ્યા પ્રમાણે જલારામબાપાની પુણ્યતિથિ નિર્વાણ દિવસ તરીકે મનાવી તમામ વેપારીઓ પોતાના રોજગાર ધંધા બંધ રાખી જલારામ બાપાને શ્રદ્ધાંજલી આપી હતી.
સાથે આજે બાપાની ૧૪૪મી પુણ્યતિથિ હોવાથી સવારથી જ ભાવિક ભકતોનો દર્શન કરવા ઘસારો જોવા મળી રહ્યો હતો, સાથે ભાવિકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જલારામ બાપાના પરિવારજનો દ્વારા પણ સવારે બાપાની સમાધી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાય હતી.