Last Updated on by Sampurna Samachar
SIR ની કામગીરી વચ્ચે નવો વખોડો
સુરતમાં મતદારોની સંખ્યામાં મોટો ગપલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત સહિત સમગ્ર દેશમાં હાલ મતદાર યાદી શુદ્ધિકરણ એટલે કે SIR ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન સુરતના સાંસદ મુકેશ દલાલે મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા કલેક્ટરને એક સ્ફોટક પત્ર લખતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સાંસદે પત્રમાં આશંકા વ્યક્ત કરી છે કે તપાસ દરમિયાન અનેક મતદારો રાતોરાત ગાયબ થઈ ગયા છે, જે શહેરની સુરક્ષા માટે જોખમરૂપ હોઈ શકે છે.

સાંસદ મુકેશ દલાલે પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં BLO-૧ અને BLO-૨ દ્વારા ઘરે-ઘરે જઈને મતદાર યાદીના શુદ્ધિકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એવા લોકોના નામ યાદીમાંથી દૂર કરવાનો છે જેઓ ભારતના નાગરિક નથી અને ગેરકાયદેસર રીતે મતદાર તરીકે નોંધાયેલા છે.
સુરતના કુખ્યાત વિસ્તારોમાં લોકોના ઘરોને તાળા
પત્રમાં સોશિયલ મીડિયા અને મીડિયા અહેવાલોનો હવાલો આપીને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સાંસદે લખ્યું છે કે જ્યારે BLO ની ટીમ સુરતના કેટલાક ‘કુખ્યાત‘ ગણાતા વિસ્તારોમાં નોંધણી માટે ગઈ, ત્યારે મોટી સંખ્યામાં લોકો ઘરોને તાળા મારીને ગાયબ થઈ ગયા હતા. જો આ મતદારો સાચા અને કાયદેસરના નાગરિક હોય, તો તપાસના ડરથી ભાગવાની જરૂર કેમ પડી? રાતોરાત આટલી મોટી સંખ્યામાં લોકો ક્યાં અદૃશ્ય થઈ ગયા? શું તેઓ હવામાં ઓગળી ગયા?
મુકેશ દલાલે પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, આ રીતે લોકોનું ગાયબ થવું એ સુરત શહેરની શાંતિ, સલામતી અને અસ્મિતા માટે જોખમકારક છે. તેઓએ વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે આ ગાયબ થયેલા લોકોને શોધી કાઢવા માટે તમામ શક્તિ લગાડવી જોઈએ.
આ લોકો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જાેઈએ અને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
SIR ની કામગીરીમાં નામ કમી થવાને લીધે પહેલાથી જ હોબાળો મચેલો હતો, ત્યારે હવે સાંસદના આ પત્રએ તેને નવો વળાંક આપ્યો છે. હાલમાં આ પત્ર સુરતની જનતા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.