Last Updated on by Sampurna Samachar
બાબા સિદ્દીકીને ગોળી માર્યા બાદ તે મૃત્યુ પામ્યો છે કે નહીં તેની પુષ્ટિ કરવા શૂટરે અડધો કલાક રાહ જોઈ
પ્લાનિંગ મુજબ આ ઘટનાને અંજામ અપાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ આ કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.પોલીસ દ્વારા પકડવામાં આવેલા શૂટર્સની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે અને હત્યાનું રહસ્ય ઉકેલવાની કોશિશ થઈ રહી છે. મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમે પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસા કર્યા હતો. હત્યા બાદ શૂટર લીલીવતી હોસ્પિટલમાં ગયો હતો અને બાબા સિદ્દીકીના મૃત્યુની પુષ્ટિ થઈ ત્યાં સુધી ૩૦ મિનિટ રોકાયો હતો.ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન આરોપી શૂટર શિવકુમાર ગૌતમે ખુલાસો કર્યો કે ૧૨ ઓક્ટોબરે બાબા સિદ્દીકીને ગોળી માર્યા બાદ તે મૃત્યુ પામ્યો છે કે નહીં તેની પુષ્ટિ કરવા લીલાવતી હોસ્પિટલમાં ગયો હતો. તે નેતાની ગંભીર સ્થિતિ વિશે દરેક ક્ષણે અપડેટ ઇચ્છતો હતો. ત્યાં લગભગ ૩૦ મિનિટ રોકાયા બાદ જ્યારે તેમને ખબર પડી કે બાબા સિદ્દીકીની હાલત ખૂબ જ નાજુક છે જે બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
પૂછપરછ દરમિયાન એવું પણ બહાર આવ્યું હતું કે શૂટર શિવકુમાર ગૌતમે પ્લાનિંગ મુજબ આ ઘટનાને અંજામ આપ્યો હતો. અન્ય આરોપીઓ ધરમરાજ કશ્યપ અને ગુરમેલ સિંહ ઉજ્જૈન રેલ્વે સ્ટેશન પર મળવાના હતા, જ્યાં બિશ્નોઈ ગેંગનો એક સભ્ય તેમને વૈષ્ણોદેવી લઈ જવાનો હતો. જોકે, આ પ્લાન નિષ્ફળ ગયો હતો. આ કારણે બે શૂટરો ઝડપાઈ ગયા હતા.
મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીની ૧૨ ઓક્ટોબરે મુંબઈના બાંદ્રામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. શૂટર શિવકુમાર હત્યા કરીને ભાગી ગયો હતો. ત્યાંથી તે નેપાળ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો. ઉત્તર પ્રદેશ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં નાનપરા બહરાઈચમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.